રાજસ્થાનના ચૂંટણી મેદાનમાં ભાજપ CM ચહેરા વગર ઉતરશે, વસુંધરા રાજે પણ ખુશ, મોડી રાત સુધી ચાલ્યું મનોમંથન

0
10
આવતી કાલે લગભગ 30 સીટો માટે નામો ફાઈનલ થઇ શકે છે
ભાજપ CMના ચહેરા વગર મેદાને ઉતરશે

જયપુર : આ વર્ષના અંતે કેટલાક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઈ તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને ચૂંટણી જીતવાની રણનીતિઓ તૈયાર કરી રહી છે. રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ માટે મહત્વની છે કારણ કે વિપક્ષનું મહાગઠબંધન INDIA તેની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. એવામાં છેલ્લા ત્રણ દિવસથી રાજસ્થાનની ચૂંટણીને લઈ ભાજપનું મનોમંથન ચાલી રહ્યું છે. એવામાં સમાચાર મળી રહ્યા છે કે રાજસ્થાનમાં ભાજપ CMના ચહેરા વગર જ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે.આ રાજકારણ ભાજપ માટે કેટલું ફાયદાકારક સાબિત થઇ શકે છે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. આ નિર્ણયથી માનવામાં આવી રહ્યું છે કે વસુંધરા રાજે ખુશ છે. આ વાતનો સંકેત ત્યારે જ મળી ગયો હતો જ્યારે રાત્રે ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે તેના ચહેરા પર ખુશી છલકાય રહી હતી. ભાજપની આ મહત્વની બેઠક અમિત શાહ અને જેપી નડ્ડાના નેતૃત્વમાં સાંજે 7 વાગ્યા થી રાતે 3 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. બેઠક વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૂંટણી માટે કોઈ સીએમ ચહેરો નહીં હોય. આ બેઠક દરમિયાન રાજસ્થાનના નેતાઓ સાથે અલગથી 45 મિનિટની બેઠક પણ યોજાઈ હતી.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાનમાં ભાજપ આવતી કાલ સાંજ સુધીમાં જ પ્રથમ યાદી જાહેર કરી શકે છે. પ્રથમ યાદીમાં વસુંધરા રાજે, સતીશ પુનિયા અને રાજેન્દ્ર રાઠોડના નામ જાહેર થઈ શકે છે. લગભગ 30 સીટો માટે નામો લગભગ ફાઈનલ થઈ ગયા હોવાના અહેવાલ છે. તેમાંથી ઝાલરાપાટનથી વસુંધરા રાજે, ચુરુથી રાજેન્દ્ર રાઠોડ અને આમેરથી સતીશ પુનિયાને તક મળી શકે છે. આ સિવાય પુષ્કરમાંથી સુરેશ રાવતને મેદાનમાં ઉતારવાની ચર્ચા છે.