સુરત : આજે દેશના પનોતા પુત્ર અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ છે આજના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ આજે સુરત જિલ્લાના બારડોલીના હરિપુરા પહોંચ્યા હતા અને સુભાષ બાબુને સ્મરણાંજલિ આપી છે.
આ જગ્યાએ એક વિશિષ્ઠ બળદગાડા યાત્રા પણ યોજાઈ જેમાં બંને મહાનુભાવોએ સવારી કરી હતી. હરિપુરા સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝની ખાસ યાદો જોડાયેલી છે. આ એજ સ્થળ છે જ્યાં નેતાજી લગભગ 83 વર્ષ પહેલાં કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા માટે આવ્યા હતા.
આ અધિવેશન સુભાષ બાબુની આગેવાનીમાં મળ્યું હતું જેમાં તેઓ એક બળદગાડાના રથમાં બેસીને આવ્યા હતા જે આજે પણ યાદગીરી સ્વરૂપે ત્યાં રાખવામાં આવ્યું છે.દરમિયાન વર્ષ 2009માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હરિપુરાની મુલાકાત લીધી હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2009માં એજ રથમાં બેસીને આ સ્થળે મુલાકાતે આવ્યા હતા જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે સવારી કરી હતી. આજે સરકાર દ્વારા આ સ્થળે એક મ્યુઝિયમ ખુલ્લુ મૂકવામાં આવશે.