નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિેન્ટ ઓમિક્રોનના કારણે દુનિયા એકવાર ફરીથી દહેશતમાં છે. આ બધા વચ્ચે બ્રિટનમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. ગુરુવારે 24 કલાકની અંદર કોરોનાના 88,376 નવા કેસ નોંધાયા. બ્રિટિશ સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે આગામી કેટલાક દિવસોમાં કેસમાં વધારો થઈ શકે છે. બુધવારથી ગુરુવારની વચ્ચે કોરોના વાયરસથી સંક્રમિત 146 લોકોના મોત થયા છે. આ દરમિયાન સરકારે બુસ્ટર ડોઝને પણ ઝડપથી વધારવાની કવાયત હાથ ધરી છે. રોયટ્સના રિપોર્ટ મુજબ બુધવારે 745,183 લોકોને કોરોના રસી અપાઈ.
યુકેના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં દર બે થી ત્રણ દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ રહી છે. યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કહ્યું કે દેશમાં અન્ય 1,691 ઓમિક્રોન કેસની ઓળખ થઈ છે. જેના કારણે કુલ કેસની સંખ્યા હવે 11,708 થઈ છે. જો કે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સંખ્યા વધવાની સંભાવના છે.
ઈંગ્લેન્ડના મુખ્ય ચિકિત્સા અધિકારીનું કહેવું છે કે એ શક્ય છે કે આ શિયાળામાં કોવિડ-19થી દૈનિક હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ગત સંખ્યાને પાર કરી જાય. જો કે તેમણે ચેતવ્યા કે વિશાળ અનિશ્ચિતતા ઓમિક્રોન વેરિએન્ટ અંગે બનેલી છે. આ બધા વચ્ચે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે ઓમિક્રોન સંક્રમણના કેસ બેથી પણ ઓછા દિવસમાં બમણા થઈ રહ્યા છે. પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ આપવાની મુહિમથી તેને પહોંચી વળવામાં મદદ મળશે. જ્હોન્સન તરફથી ઓમિક્રોનના જોખમને રોકવા માટે આ વર્ષના અંત સુધીમાં વયસ્કોને બૂસ્ટર ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કોરોના રસીના નવા વેરિએન્ટ ઓમિક્રોનને ખુબ ખતરનાક વેરિએન્ટ ગણવામાં આવી રહ્યો છે. તે ઝડપથી દુનિયાના મોટાભાગના દેશોમાં ફેલાઈ રહ્યો છે. જો કે આ વેરિએન્ટને લઈને દરેક દેશમાં સજાગતા વર્તાઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિજિયોનલ ડાઈરેક્ટરે ચેતવતા કહ્યું કે વેરિએન્ટને હળવો કહીને ફગાવી શકાય નહીં. કારણ કે તે ઝડપથી ફેલાઈ શકે છે.