સંસદના શિયાળુ સત્રમાં ગુરુવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તમિલનાડુના કુન્નુર પાસે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટના પર નિવેદન આપ્યું. આ દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત 11 લોકોના મોત થયા હતા. લોકસભામાં દુર્ઘટના પર નિવેદન આપતા સુરક્ષા મંત્રીએ કહ્યું- જનરલ રાવત એક કાર્યક્રમને સંબોધવા માટે શેડ્યુલ વિઝિટ પર હતા.
રક્ષા મંત્રીએ કહ્યું કે, બુધવારે 12.8 વાગ્યે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેમણે કહ્યું કે, ‘એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હાલમાં લાઈફ સપોર્ટ પર છે અને તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’ આ ઉપરાંત, તપાસ ટીમ ગઈકાલે જ વેલિંગ્ટન પહોંચી હાઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.
રક્ષામંત્રીએ કહ્યું કે, CDS જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. અન્ય સૈન્ય કર્મચારીઓના અંતિમ સંસ્કાર યોગ્ય લશ્કરી સન્માન સાથે કરવામાં આવશે.
લોકસભાએ તમિલનાડુમાં કુન્નુર પાસે લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય અધિકારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા બે મિનિટનું મૌન પાળ્યું હતું.