
અમદાવાદના રિવરફ્રન્ટ પર આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે, આ પતંગ મહોત્સવમાં ગુજરાત સહિત દેશ અને દુનિયામાંથી પતંગબાજો ભાગ લેવા માટે આવ્યાં છે. અસંખ્ય લોકો આ પતંગ મહોત્સવને જોવા પણ આવી રહ્યાં છે. ત્યારે મંગળવારે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલમાં આવેલા બોલિવુડ અભિનેતા ઈમરાન હાશમી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. મીડિયા સાથે વાત કરતા ઈમરાન હાશમીએ કહ્યું કે, “હું પીએમ મોદી અને ગુજરાત પ્રવાસનને અભિનંદન આપવા માંગુ છું. આ મહોત્સવમાં હાજરી આપવાનો આ મારો પહેલો પ્રસંગ છે. હું શૂટિંગ અને પ્રમોશન માટે ઘણી વખત અમદાવાદ આવ્યો છું. જે રીતે આ આખું આયોજન કરવામાં આવ્યું છે તે મને ખૂબ ગમ્યું. ઘણા દેશોમાંથી પતંગબાજો આવ્યા છે. આ મહોત્સવ રંગો અને જીવંતતાથી ભરેલો છે, તેથી તે એક શાનદાર અનુભવ છે. હું અહીં બધાને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.”નોંધનીય છે કે, અભિનેતા ઈમરાશ હાશમીની ફિલ્મ તસ્કરી આજે એટલે કે, 14 જાન્યુઆરી રિલીઝ થઈ રહી છે. જેમાં તે કસ્ટમ અધિકારીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.


