
રોજ મેથી ખાવાથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે એટલું જ નહીં પણ જેનાથી હૃદયરોગ થાય છે એ કોલેસ્ટ્રોલના પ્રમાણમાં પણ ઘટાડો કરે છે. એમ હૈદરાબાદસ્થિત નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ન્યુટ્રિશન (એનઆઈએન) ના વિજ્ઞાાનીઓએ કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે.બે વર્ષ અગાઉ મેથીના ગુણકારી લાભોની જાણ કરનાર એનઆઈએનના વિજ્ઞાાનીઓએ હવે સાબિત કર્યું છે કે ઈન્સ્યુલિન પર આધાર રાખતા ટાઈપ-વન ડાયાબિટીસના દરદીઓ માટે પણ મેથી અસરકારક છે.મેથી લોહીમાંના ગ્લુકોઝના પ્રમાણને નીચું લાવે છે અને મૂત્રમાં ગ્લુકોઝના પ્રમાણને ૬૪ ટકા જેટલું ઘટાડે છે. દસ દિવસમાં જ મેથી તેનો આ પ્રભાવ બતાવે છે ભારતમાં ઘેર ઘેર મસાલા તરીકે વપરાતી મેથી કરિયાણાની કોઈપણ દુકાનેથી ઉપલબ્ધ થઈ શકે છે. તેનો સ્વાદ કડવો છે પરંતુ તેના સ્વાદને ફેરવી શકાય અથવા અન્ય મસાલા જોડે મેળવીને તેની કડવાશ ઓછી કરી શકાય. એનઆઈએને પ્રયોગો દરમિયાન કડવાશરહિત મેથીને રોટલી જોડે મેળવી દઈને દરદીઓને ભોજન દરમિયાન આપી હતી. મેથીને ભાત, દાળ, શાક કે ચટણીમાં ઉમેરી શકાય અથવા તેના લોટને પાણી કે છાશમાં ભેળવીને ભોજનની ૧૫ મિનિટ અગાઉ લઈ શકાય રોજ કેટલા પ્રમાણમાં મેથી લેવી જોઈએ તેનો આધાર ડાયાબિટીસના પ્રમાણ પર રહેલો છે. મેથી લેવાનું આ પ્રમાણ ૨૫થી લઈને ૧૦૦ ગ્રામ સુધીનું હોઈ શકે.


