આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ, અને દેવ દિવાળીનાં તહેવારનો પ્રારંભ. પહેલા માનવીની દિવાળી આવે એટલે ચક્ર ઉંધુ ફર્યું એમ લાગે, પણ ભગવાન પહેલાં ભક્તને ખુશી આપે અને પછી પોતે ખુશ થાય. પણ આ અગિયારસ એવી છે, જેમાં સ્ત્રીનાં વ્રતનો આજ સુધી મહિમા ગવાયો છે. કારતક સુદ અગિયારસને પ્રબોધિની અગિયારસ અથવા તો દેવ ઉઠી અગિયારસ પણ કહેવામાં આવે છે. અષાઢ મહિનાની અગિયારસ એ દેવને પોઢાડવામાં આવે છે, અને કારતક માસની અગિયારસે ઉઠાડવામાં આવે છે, અને ઘણાં ચાતુર્માસની અગિયારસના વ્રતનો પણ ઘણાં સંકલ્પ કરે છે. આજે દેવ એટલે ભગવાન વિષ્ણુનાં લગ્નનો દિવસ પણ છે, અથવા તો દેવની દિવાળીની શરૂઆત થઈ. આપણી દિવાળીની જેમ આ દિવાળી પણ અગિયારસથી પૂનમ સુધી ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આજથી લગ્નની મોસમ પણ શરૂ થશે. પહેલાં ભગવાનના લગ્ન થાય, પછી જ આપણાં લગ્ન થાય એવી પ્રથા આ સાથે જોડાયેલી છે. ઉપરાંત આ દિવસને તુલસી વિવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ દરેક હિંદુઓના ઘરમાં તુલસીનો ક્યારો કે કૂંડું જોવા મળે છે, તુલસી લક્ષ્મીનું સ્વરૂપ છે. જેને કોઈને દીકરી ન હોય તે તુલસી વિવાહ કરી, કન્યાદાનનું પુણ્ય મેળવે છે. સમાજના બે પ્રતિષ્ઠિત મોભી એક વિષ્ણુ એટલે કે શાલીગ્રામના પિતા બને છે, અને એક તુલસીના પિતા બની, આ કાર્ય જાહેર જગ્યામાં ઉજવણી રૂપે કરવામાં આવે છે. તુલસી વિવાહ સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે.

પૌરાણિક સમયમાં રાક્ષસ કુળમાં વૃંદા નામની એક કન્યાનો જન્મ થાય છે, જે રાક્ષસ કુળમાં જન્મી હોવા છતાં વિષ્ણુની પરમ ભક્ત હોય છે, અને દિવસ-રાત વિષ્ણુની પૂજા કરવી એ તેનો રોજીંદો નિયમ હતો. મોટી થતાં આ કન્યાનાં લગ્ન રાક્ષસ કુળનાં જ જલંધર નામનાં એક રાજા સાથે થાય છે. જલંધર બધી જ રીતે બહાદુર હતો, અને તે એક બાહોશ યોદ્ધા પણ હતો. તે સમયગાળા દરમિયાન દેવ-દાનવ વચ્ચે યુદ્ધ થયું, અને જલંધર તે યુદ્ધમાં લડવા માટે નીકળે છે, ત્યારે તેની પતિવ્રતા પત્ની વૃંદા પતિને જણાવે છે, કે આપ યુદ્ધ કરીને પાછા નહીં ફરો ત્યાં સુધી હું અહીં આપનાં આયુષ્ય માટે મંત્ર અનુષ્ઠાન કરીશ. એ પછી તે યુદ્ધ માટે ચાલી નીકળે છે, અને યુદ્ધમાં દેવતાઓને જલંધરનો મુકાબલો કરવો બહુ અઘરો પડે છે. કોઈ તેને હરાવી શકતું નથી, આથી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે જાય છે, અને જલંધરને હરાવવા માટે કોઈ માર્ગ કરવાનું કહે છે. ભગવાન વિષ્ણુ સ્પષ્ટ રીતે ના પાડે છે, કે તેની પત્ની વૃંદા મારી પરમ ભક્ત હોયને, હું તમારી કોઈ મદદ કરીશ નહીં, પરંતુ દાનવોને હરાવવા માટે એ સિવાય બીજો કોઇ છુટકો ન હોવાથી, અંતે માની જાય છે. ભગવાન વિષ્ણુ પોતે સ્વયં જલંધરનું રૂપ ધરી અને વૃંદા પાસે પહોંચે છે. મંત્ર અનુષ્ઠાનમાં બેઠેલી વૃંદા, પતિને જોઈને મંત્ર કરતી ઉભી થઇ તેનો ચરણ સ્પર્શ કરે છે, આ રીતે તેનું અનુષ્ઠાન વચ્ચેથી અધૂરું છૂટતા, અહીં જલંધરનું મૃત્યુ થાય છે, અને તેનું મસ્તક આવીને અહીં પડે છે. વૃંદા પતિના મસ્તક સામે જોવે છે, અને સામે ઉભેલ જલંધર રુપે વ્યક્તિને જુએ છે. ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે, અને આથી વૃંદાને આખી યોજના સમજાઈ જાય છે. એક પતિવ્રતા સ્ત્રીનું વ્રત ભંગ કરવા માટે ક્રોધિત થઈ તે તાત્કાલિક ભગવાનને શ્રાપ આપે છે, કે તે પથ્થર બની જાય, અને ભગવાન તરત જ પથ્થર બની જાય છે. આ વાતથી દેવતાઓમાં હાહાકાર મચી જાય છે, અને લક્ષ્મીજી વૃંદાને આજીજી કરે છે, તેથી વૃંદા ભગવાનને શ્રાપ મુક્ત કરે છે. આ પથ્થરને આપણે શાલીગ્રામ તરીકે ઓળખીએ છીએ. ભગવાન શંકરાચાર્ય બતાવ્યા મુજબની પંચ દેવપૂજામાં આપણે વિષ્ણુ તરીકે શાલિગ્રામને જ રાખીએ છીએ. સતી વૃંદા તે પછી પતિના મસ્તકને ખોળામાં રાખી સતી થાય છે, અને એ રાખમાંથી તુલસીનો જન્મ થાય છે. તેથી તે તુલસી સાથે શાલીગ્રામ સ્વરુપે ઈશ્વરનાં લગ્ન કરવાથી તેને શ્રાપમાંથી મુક્તિ મળે છે. તે દિવસથી ભગવાનનો અંશ આ પથ્થરમાં પણ વાસ કરે છે, અને તુલસી પર્ણ વગર તે કોઈ ભોગ ગ્રહણ નહીં કરે તેવું પણ કહે છે.
આ અગિયારસનું નામ પ્રબોધિની એટલા માટે રાખવામાં આવ્યું છે, કે આ અગિયારસ આપણને એક બોધ આપે છે, કે પતિવ્રતા સ્ત્રીનું વ્રત ભંગ કરનાર જો સ્વયં ઈશ્વર હશે, તો તેને પણ શ્રાપ લાગી શકે છે, એ સ્ત્રી પછી દેવ કુળની હોય, રાક્ષસ કુળની હોય, કે નાગ ગંધર્વ કે માનવ કુળની હોય, પણ તેનો પતિવ્રતા ધર્મ જો અખંડ હશે, તો તેને ઈશ્વર પણ હરાવી નહીં શકે. સતી વૃંદાએ તે વખતે ઈશ્વરને એક બીજો શ્રાપ આપ્યો હતો, કે તમારે પણ પત્ની વિયોગ સહન કરવો પડશે, એટલે વિષ્ણુ ભગવાન રામ તરીકે જન્મ લે છે, અને સીતાના વિયોગનું દુઃખ સહન કરે છે. તો આ થઈ પૌરાણિક વાત કે જેને કારણે આપણે ત્યાં તુલસી વિવાહ થાય છે.
લક્ષ્મીનાં અવતાર તરીકે કે સતી વૃંદા સ્વરૂપે આપણે ત્યાં તુલસીને દરેક આંગણામાં સ્થાન મળ્યું છે, અને હિન્દુ સ્ત્રીઓ રોજ તુલસીનું પૂજન કરી, પોતાનું સુખ-સમૃદ્ધિ ટકાવી રાખવા તુલસી રુપે લક્ષ્મી માતાની પૂજા કરે છે. આ ઉપરાંત તુલસીને એક આયુર્વેદિક ઔષધી પણ બતાવવામાં આવી છે, જે લગભગ દરેક પ્રકારનાં રોગમાં ઉપયોગી છે.ખાસ કરીને શરદી સળેખમ અને પેટના રોગોમાં તુલસીના પાનનો અર્ક ગ્રહણ કરવો, અથવા તો તુલસીના પાનનો ઉકાળો બનાવીને પીવાથી, ઘણી રાહત રહે છે. તુલસી છોડ રૂપે જ લગભગ જોવા મળે છે. ત્રીસથી ચાલીસ સેન્ટિમીટર જેટલો ઊંચો તેનો છોડ થાય છે, અને લંબગોળ આકારના તેના પર્ણ હોય છે. સ્વાદમાં જરાક તીખા અને વિશિષ્ટ સુગંધ ધરાવતા આ પર્ણનું સેવન ઘણાં લોકો કરતા હોય છે. તુલસીમાં પણ ઘણાં પ્રકાર જોવામાં આવે છે. શ્યામ તુલસી, રામ તુલસી, તિલક તુલસી, તેમજ વન સ્વરૂપે જોવા મળતા ગાઢ તુલસી. અમુક ઊંચાઈ સુધી છોડની વૃદ્ધિ થતાં તેમાં માંજર આવે છે, અને આ માંજરમાંથી બીજા તુલસીના છોડ બંને છે. વૈષ્ણવના ઘરમાં તુલસી વિવાહ થયા પછી તુલસી મુરજાઈ જાય છે, તેવી એક માન્યતા પણ પ્રચલિત છે, તેથી તેઓ આ માંજર લગ્ન પહેલાથી જ બીજા કુંડામાં વાવી દેતા હોય છે, જેથી કરીને બીજો છોડ તરત થવાં લાગે. આ ઉપરાંત ઘણા પ્રાંતોમાં આ લગ્ન અગિયારસથી શરૂ કરી પૂનમ સુધી ઉજવવામાં આવે છે, અને પૂનમના દિવસે ભગવાન શાલીગ્રામના તુલસી સાથે સાત ફેરાથી વિધિવત લગ્ન સંપન્ન કરવામાં આવે છે. આપણે સૌ દેવની દિવાળીની ઉજવણી આંતરિક રીતે ગુણ સમૃદ્ધ થઈને ઉજવીએ, દરેકે દરેક સ્ત્રીનું સન્માન કરીએ, અને ભક્તિભાવથી રોજ કોઇને કોઇ રીતે ઇશ્વરનું અનુસંધાન થાય તેવી પૂજાપાઠનો નિયમ લઈએ.
