હાર્દિક પટેલ: ગુજરાતના મુખ્યમંત્રી ભલે પાટીદાર હોય પણ સૌને સાથે લઈને ચાલે તે જરૂરી છે

0
23
હવે કામ યોગ્યતા પર નહીં પણ સોશિયલ એન્જીનિયરિંગ પર ચાલી રહ્યું છેઃ હાર્દિક પટેલ
હવે કામ યોગ્યતા પર નહીં પણ સોશિયલ એન્જીનિયરિંગ પર ચાલી રહ્યું છેઃ હાર્દિક પટેલ

અમદાવાદ: રાજકારણમાં જાતિવાદ ગુજરાત સહિત ભારત દેશના દરેક રાજ્યની સચ્ચાઈ છે. આપણે તેનાથી દુર નથી ભાગી શકતા. પરંતુ જો તેના વર્ચસ્વથી વ્યક્તિની યોગ્યતાનો કોઈ અર્થ જ ના હોય તો તે પ્રદેશની જનતા અને ભારતીય લોકતંત્ર માટે સારો સંકેત નથી. ગુજરાતમાં જાતિ આધારિત રાજનીતિ હાલના સમયમાં તેની ચરમસીમા પર છે. જ્યારે ભાજપને લાગે છે કે કોઈ જાતિ- સમુદાય જો તેની વિરૂદ્ધમાં છે અથવા તો થઈ શકે છે. ત્યારે તે અન્ય સમાજને એકત્રિત કરીને વિરૂદ્ધ થઈ રહેલા સમાજની સામે ઉભો કરી દે છે. ગુજરાતમાં ભાજપ દ્વારા કોઈ ક્ષેત્રમાં પાટીદારો વિરૂદ્ધ અન્ય જ્ઞાતિઓને ઉભી કરી દીધી. અહીં દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે ભાજપ આવું કરીને ચૂંટણીમાં સફળતાઓ પણ પ્રાપ્ત કરી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ સરકારના એક મોટા મંત્રી પોતાના વિભાગની તમામ પોસ્ટિંગમાં પોતાની જ્ઞાતિના લોકોને જ મહત્વ આપી રહ્યાં છે.ચૂંટણીના સમયમાં ટિકીટનો આધાર યોગ્યતા નહી પણ જ્ઞાતિ આધારિત થઈ જાય છે. મને ઘણા લોકો કહે છે કે ગુજરાતનો મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જોઈએ. મારુ હંમેશા એવું માનવું છે કે સંવિધાનમાં એવું ક્યાંય લખ્યું નથી કે મુખ્યમંત્રી કોઈ જ્ઞાતિ આધારિત હોય. એવો વ્યક્તિ જે તમામને સાથે લઈને ચાલી શકે, જેના મનમાં કોઈ સમાજ અથવા તો જ્ઞાતિ પ્રત્યે ભેદભાવ ના હોય. તેવો વ્યક્તિ જ કોઈ મોટા પદ પર હોવો જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ, જેમણે ભારતને આઝાદી અપાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, દેશને એક કર્યો, જો તેમની જન્મ ભૂમિમાં જ જ્ઞાતિ વાદની ભાવના સતત વધી રહી છે તો તેમની પવિત્ર આત્માને કેટલી તકલીફ થતી હશે. મારા માટે આદર્શ સ્થિતિ હશે કે જો મુખ્યમંત્રી પાટીદાર સમાજનો છે તો તે પોતાના સમાજની સાથે ઠાકોર, બ્રાહ્મણ, કોળી તમામ સમાજના લોકોના કામ એટલા જ દીલથી કરે. ગુજરાતના 6.50 કરોડ લોકોને જે કોઈ પણ જ્ઞાતિ કે સમાજના ભેદભાવ વિના સાથે લઈને ચાલે. તે જ વ્યક્તિ મુખ્યમંત્રી હોવો જોઈએ. દુર્ભાગ્યનો વિષય છે કે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારમાં પણ વડાપ્રધાન મોદી દ્વારા માત્ર અને માત્ર જ્ઞાતિ સમીકરણોને સાધવાનો પ્રયાસ છે. જે રાજ્યોમાં આવનારા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજોવાની છે, ત્યાંની મુખ્ય જ્ઞાતિઓના નેતાઓને મંત્રી બનાવવાની ચર્ચાઓ છે. જ્યાં ચૂંટણીઓ પુરી થઈ ગઈ, કામ નીકળી ગયું, તે જ્ઞાતિઓના નેતાઓને હટાવી લેવામાં આવશે. આમ પણ વ્યક્તિ કેન્દ્રિત સરકારમાં કોઈ મંત્રી અથવા વિભાગનો કોઈ મતલબ જ નથી રહ્યો. તમામ કામો વડાપ્રધાન કાર્યાલયથી જ થઈ રહ્યાં છે. હવે કામ યોગ્યતા પર નહીં પણ સોશિયલ એન્જીનિયરિંગ પર ચાલી રહ્યું છે. દુનિયાનો કોઈપણ દેશ જોઈ લો. તે વિકસિત ત્યારે જ થયો જ્યારે ત્યાં યુવાનો શિક્ષિત થયાં. વ્યાપાર ધંધામાં તરક્કી થઈ, સરકારમાં સારા લોકોની નિયુક્તિ થઈ અને તે લોકોએ સારી નીતિઓ બનાવી. ગુજરાત અને દેશ માટે આ બાબત જ લાગુ થાય છે. સારા લોકો રાજનીતિમાં રહે જેઓ ગંદકીને સાફ કરી શકે અને જનતાના મનમાં સરકાર પ્રત્યે વિશ્વાસ પ્રગટ થઈ શકે. ગુજરાતના યુવાનો અને અન્ય લોકોમાં હાલમાં પણ ડર છે કે જો તેમણે ભાજપની સરકારની સામે કંઈ પણ બોલી નાંખ્યું તો તેમની ઉપર ખોટા કેસ કરવામાં આવશે. પરિવારને હેરાન કરવામાં આવશે. હું લોકોના મનમાંથી આ પ્રકારના ડરને જ બહાર કાઢવાની વાત કરી રહ્યો છું.