અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીને લઈને ખૂબ મોટી માહિતી સામે આવી છે. ગત વિધાનસભામાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા જોવા મળી હતી. જેમાં ભાજપને રેકોર્ડ બ્રેક બહુમતી મળી હતી અને કોંગ્રેસનો નાલોશીભર્યો રકાશ થયો હતો. પરંતુ આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલ્યું હતું અને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો હતો. પરંતુ હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશે. કોંગ્રેસે હજી આ બાબતને લઈને કોઈ જ નિવેદન આપ્યું નથી. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. રાજ્યમાં હાલમાં સીટોની અમે તપાસ કરી રહ્યા છીએ. રાજ્યમાં અમે કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરીને ચૂંટણી લડીશું. I.N.D.I.Aના ગઠબંધન સાથે ચૂંટણી લડાશે અને અમે એટલી ખાતરી આપે છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો નહીં લઈ જઈ શકે. ભાજપ આ ગઠબંધનથી ડરી ગયું છે અને તેમને ખબર છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવી દેશે. પ્રધાનમંત્રીથી લઇને ભાજપના નેતાઓ પણ I.N.D.I.Aને ગાળો આપી રહ્યાં છે.ગુજરાતમાં ગઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો અને 13 ટકા વોટ મળ્યા છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીAIMIMને 0.29 ટકા વોટ મળ્યા હતા. આ બંને પક્ષોએ ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું અને કોંગ્રેસ તેના અત્યાર સુધીના સૌથી ખરાબ પ્રદર્શન સાથે માત્ર 17 બેઠકો પર પહોંચી ગઈ હતી.આટલા મોટા નુકસાનનું એક મુખ્ય કારણ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જેવા પક્ષો દ્વારા કોંગ્રેસના મતોમાં ઘટાડો છે. ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે ત્રણ પક્ષોને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતના પરિણામો ખૂબ જ નિરાશાજનક અને કોંગ્રેસ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની હાર માટે ભાજપ, આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જવાબદાર છે.