નવી દિલ્હી : અમેરિકામાં મોંઘવારી દર 40 વર્ષના ટોચના સ્તર પર પહોંચી ગયો છે. અમેરિકાના લેબર વિભાગ એ જાન્યુઆરીમાં સમાપ્ત થયેલા 12 મહિનાના ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. તે આંકડા મુજબ ફુગાવાનું સ્તર વધીને 7.5 ટકા પર પહોંચી ગયું છે અને આ અમેરિકામાં 1982 બાદથી અત્યારસુધીનું સૌથી ઊંચું ફુગાવાનું સ્તર છે. નોંધનીય છે કે, તજજ્ઞોને ફુગાવામાં આટલા ઉછાળાની અપેક્ષા નહોતી. આંકડા જોઈને તજજ્ઞોને પણ આંચકો લાગ્યો છે. ફુગાવાના આંકડાથી અમેરિકી શેરબજારોપર અસર પડી છે અને શેરબજારોમાં મોટો કડાકો થયો હતો. બીજી તરફ તેની અસર ભારતીય શેર બજારોપર પણ જોવા મળી હતી. સેન્સેક્સ 900 અંકથી વધુ તૂટ્યો હતો. ત્યારે અમેરિકામાં મોંઘવારી વધવાની અસર ભારતીય શેરબજાર પર કેમ પડી રહી છે? તે જાણવું જરૂરી બની ગયું છે.અમેરિકામાં મોંઘવારીમાં ઝડપથી વધારાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. જૂની કાર અને ટ્રકની કિંમતમાં 41 ટકાનો વધારો થયો છે. ફર્નિચરના ભાવમાં 14 ટકા અને મહિલાઓના કપડાંના ભાવમાં 11 ટકાનો વધારો થયો છે. આ ભાવ વધારાથી લોકોનું બજેટ બગડી ગયું છે.ફેડરલ રિઝર્વે અમેરિકામાં ફુગાવાનો આટલો બધો વધારો થવાની અપેક્ષા નહોતી રાખી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માત્ર 1.7 ટકા હતો. પછી ધીમે ધીમે તેમાં વધારો થતો રહ્યો છે. માર્ચમાં 2.7 ટકા, એપ્રિલમાં 4.2 ટકા, મેમાં 4.9 ટકા, જૂનમાં 5.3 ટકા, ઓક્ટોબરમાં 6.2 ટકા, ડિસેમ્બરમાં 7.1 ટકા અને અત્યારે 7.5 ટકા સુધી પહોંચી ગયો છે.વર્ષ 2020માં કોરોના મહામારીની સૌથી મોટી અસર વેપાર ધંધા પર પડી હતી. લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ હતી. દુકાનો બંધ કરી દેવામાં આવી હતી અને લોકો પોતાના ઘરોમાં બંધ હતા. બીજી તરફ કંપનીઓએ 20 મિલિયનથી વધુ લોકોને બરતરફ કર્યા છે. તેના કારણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં ઘણો ઘટાડો થયો હતો અને અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી.