આજે શરદ પૂનમ છે, એટલે દિવાળીનાં તહેવારો સાવ ઢૂકડા, ઘરઘરમાં એનો ઉત્સાહ હશે! સમાજનો દરેક વર્ગ પોતાની ઈચ્છા અને હેસિયત મુજબ એને ઉજવશે! પહેલાંના લોકો હેસિયત મુજબ ઈચ્છા રાખતાં, પણ હવે સમય બદલાયો છે, અને હેસિયત હોય કે ન્હોય ઈચ્છા આગળ ચાલે છે! હાલ ઓનલાઈન શોપિંગ એપ માં દરેક પ્રકારની ચીજ વસ્તુઓમાં એટલી વિવિધતા જોવાં મળે છે કે, ન ખરીદવું હોય તો પણ મન લલચાય જાય ! એટલે ખરીદીનું તો એવું છે કે ભલભલાના બજેટ વીખી નાખે ! પરંતુ આજે આપણે એ વિશે વાત કરવાની નથી, આજે આપણે ઓસ્ટ્રેલિયા વિશે વાત કરીશું. ઓસ્ટ્રેલિયા થી આવે પંદર દિવસ ઉપર થયું, અને આવ્યાં પછી તરત નવરાત્રી હતી, એટલે વાચકોની ઓસ્ટ્રેલિયા વિશેનાં અનુભવનાં લેખની માંગ વધતી ગઈ! આમ તો કોઈ પ્રવાસ નહોતો! દિકરાને ઘરે ગઈ હતી! પણ ઘણું બધું ફર્યા. પ્રાથમિક શાળામાં વિશ્વનાં નકશામાં બધાં ખંડ અને મહાસાગરની ઓળખ થઈ, ત્યારે ખબર પણ નહોતી કે ત્યાં જવાનું અને આટલું લાંબુ રહેવાનું થશે! એક મા ને એનાં સંતાનો સાથે રહેવા મળ્યું, એ પણ એક વરદાન જેવું જ, એમાં પણ ઘરની અને વડીલોની જવાબદારીને કારણે ક્યાંય જવું થતું નથી, એટલે રોજ જુદા જુદા સ્થળોએ ફરવાં જવું, અને ત્યાંની સંસ્કૃતિનો અનુભવ કરવો, એ બધું બહુ રોમાંચક હતું.

ઓસ્ટ્રેલિયા એક સુંદર, સ્વચ્છ,બધી રીતે વિકસિત અને સ્ટ્રોગ ઈકોનોમિ ધરાવતો સમૃદ્ધ દેશ છે, એટલે જ ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત દિવસે દિવસે વધતી જાય છે. ઓસ્ટ્રેલિયા વનસ્પતિની ખૂબ બધી જાતિ પ્રજાતિ ધરાવે છે, અને હાં રણ પ્રદેશ પણ છે, પરંતુ ગાઢ જંગલો છે, અને દરેક શહેરમાં ખૂબ હરિયાળા વૃક્ષો છે. આ વૃક્ષો પર કેટલીય પ્રકારનાં પક્ષીઓ રહે છે. ઓસ્ટ્રેલિયા પોતાનાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ માટે જાણીતું છે! જેમાં કાંગારુ, કોઆલા, કોઆકા, કેપી બારસ, અલ્પાકા ઝીબ્રા અને જિરાફ ઇમુ, કુકાટુ, કાકાબોઆ, અને પોપટની વિવિધ જાતો તથા બ્લુ પેંગ્વિનની સૌથી નાની જાતિ જોવા મળે છે. વેલ માછલીનો હાઈવે પણ અહીંથી પસાર થાય છે, જે પોતાના બચ્ચાને જન્મ આપવા માટે અહિંથી પસાર થાય છે, અને અમે એને પોતાના બચ્ચાને લઈ જતી જોઈ પણ ખરી. ધર્મ અને સંસ્કૃતિની રીતે ઓસ્ટ્રેલિયા પણ બિન સાંપ્રદાયિક છે, પણ 69% જેટલા લોકો ખ્રિસ્તી ધર્મ અનુસરે છે, પણ જોવાની ખૂબી એ છે કે ફરવા લાયક સ્થળોમાં એકપણ ચર્ચ નથી, બાકી હિન્દુ, મુસ્લિમ, શીખ અને બૌદ્ધ ધર્મી છે. વસ્તીની દ્રષ્ટિએ પણ છેલ્લા સર્વે મુજબ જગ્યાના પ્રમાણમાં ઘણી ઓછી વસ્તી છે. આમ તો કૃષિ અને નાના મોટા ઉદ્યોગો તેમજ પ્રવાસન સ્થળ ને કારણે આવક છે. ત્યાંનું કોફી કલ્ચર બહુ જ પ્રખ્યાત છે! પરંતુ બપોરનાં ત્રણ પછી કોફી મળે નહીં! શાવર્ડો બ્રેડ પિત્ઝા, પાસ્તા, કેક, પેસ્ટ્રી, ચોકલેટ અને બાર્બેકયુ અને દારુ બિયર નાં શોખીન છે! સ્વભાવે મિલનસાર અને મિતભાષી અને અન્યને સન્માન આપનારા તેમજ મદદરૂપ થવા વાળા લોકો છે! યુરોપનાં પ્રમાણમાં રેશિઝમ ઓછું દેખાયું. ભૌગોલિક સ્થાનની રીતે ઓસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલો એક વિશાળ દેશ છે. તે ઓશનિયા ખંડનો મુખ્ય ભાગ છે. ઓસ્ટ્રેલિયા વિશ્વના સૌથી નાના ખંડમાં આવેલ અને સૌથી મોટાં દેશના ક્રમમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. દક્ષિણ ગોળાર્ધમાં, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર વચ્ચે આવેલો છે, અને એ ટાપુની જેમ બધે દરિયા કિનારો ધરાવે છે. તેનો કુલ વિસ્તાર આશરે 76.9 લાખ ચોરસ કિલોમીટર. ઓસ્ટ્રેલિયા છ રાજ્ય અને બે ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ ધરાવે છે. આમ તો ચારેબાજુ સમુદ્ર હોવાથી કોઈ જમીન વિસ્તાર નથી,પણ ઇન્ડોનેશિયા, પાપુઆ ન્યૂ ગિની, ન્યૂઝીલેન્ડ અને તિમોર-લેસ્તે જેવા દેશો તેની આસપાસના વિસ્તારમાં આવેલા છે. ઓસ્ટ્રેલિયા ની રાજધાની કેનબેરા છે, અને તેનાં રાજ્યોના પાટનગર એટલે કે મુખ્ય શહેરો સિડની, મેલબોર્ન, બ્રિસ્બેન, પર્થ અને એડિલેડ અને હોબાર્ટ છે. ઉત્તરમાં ઉષ્ણકટિબંધીય, મધ્ય ભાગમાં શુષ્ક અને દક્ષિણના વિસ્તારોમાં સમશીતોષ્ણ આબોહવા જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાની કુદરતી વિશેષતામાં ગ્રેટ બેરિયર રીફ, વિશાળ રણપ્રદેશો, ઘાસનાં મેદાનો અને યુકેલિપ્ટસનાં અને રેડ વુડનાં જંગલો તેની વિશેષતા છે, અને લાંબો સમુદ્ર હાઈવે. આ ઉપરાંત સૌથી સફેદ રેતી ધરાવતો બીચ અને દરિયાઈ પાણીના આકર્ષક રંગો. ભારત જેમ જ ઓસ્ટ્રેલિયા પર પણ 1788 થી બ્રિટનનું રાજ હતું, અને એ ત્રણ તબક્કામાં પુરું થયું, જે 3 માર્ચ 1986મા સંપૂર્ણ પણે પુરું થયું, અને તેથી 3 માર્ચ ઓસ્ટ્રેલિયા માં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મૂળમાં ઓસ્ટ્રેલિયા માં આદિવાસીની પ્રજા રહેતી હતી, અને જે હજી પણ મૂળનિવાસી તરીકે ઓળખાય છે. 1788 ની 26 જાન્યુઆરી એ બ્રિટિશ ગવર્મેન્ટ એ પોતાના ખૂંખાર કેદીઓને રાખવાં માટે, એટલે કે પેનલ કોલોની તરીકે ઓસ્ટ્રેલિયાની જમીનનો ઉપયોગ કર્યો હતો. જેમાં 11 વહાણ માં 700 કેદીઓને સીડની લાવવામાં આવ્યા હતાં. ઓસ્ટ્રેલિયા ભલે સાર્વભૌમ સ્વતંત્ર દેશ છે, છતાં આજે પણ બ્રિટિશ રાજા અને રાણી એમનાં વડા કહેવાય છે, ઓસ્ટ્રેલિયા આજે પણ કોમનવેલ્થ દેશોનો ભાગ છે, પરંતુ હાલ ઓસ્ટ્રેલિયા વિશ્વના નકશામાં મહત્વનું સ્થાન ધરાવે છે અને સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે જાણીતું છે. સીડનીમાં આવેલ આવી જ એક કોમનવેલ્થ બેંક માટે મારો દિકરો બેન્કિંગ એપ્લિકેશન બનાવી રહ્યો છે, અને ન્યુ સાઉથ વેલ્સનાં દસ લાખ ઉપર ગ્રાહકો આ એપ્લિકેશન નો ઉપયોગ કરે છે! સીડની ની વાત કરીએ તો અત્યારે વિશ્વનાં સૌથી મોંઘાં શહેરમાં હોંગકોંગ પછી સીડની બીજા ક્રમે આવે છે. પરંતુ તે પોતાના પ્રવાસન સ્થળ અને કોર્પોરેટ કંપનીઓને કારણે મોંઘુ હોય શકે છે. ઓસ્ટ્રેલિયામાં હાઉસ રેન્ટ વીકલી છે, અને સીટી એરિયામાં તો 750 થી 900 ઓસ્ટ્રેલિયન ડોલર આસપાસ છે, આ ઉપરાંત વિજળી બિલ ટ્રાન્સપોર્ટ અને કરિયાણું થઈને વીકના 2000 આસપાસ થાય છે, એટલે કે વીકલી કોસ્ટ ઓફ લિવિંગ બહુ હાઈ છે. પરંતુ સૌથી સારી વાત એ છે કે પૂરાં સીડની માં સવારના 11 થી 2 સુધી વિજળી ફ્રી છે, અને જે કોઈને પોતાના વર્ક ટાઈમમાં આ સેટ થતું ન્હોય એની માટે યુનિટ ના ઓછાં ભાવની ફેસેલિટી પણ છે! એવી જ રીતે દરેક સ્ટેટમાં નાગરિકો માટે કોઈ ને કોઈ સુવિધા છે, જેમ કે મેલબોર્નમાં સીટી માં ટ્રામ ફ્રી છે.આપણી જેમ ત્યાં ફેમિલી સીસ્ટમ નથી, એટલે ત્યાંની ગવર્મેન્ટ વૃદ્ધો અને બાળકો માટે પણ બહુ સારું કાર્ય કરે છે! અને ત્યાંના પી આર મેળવેલને “ઓલ્ડ એજ સેન્ટર” તથા બેબી માટે “ડે કેર સેન્ટર” માં સારી એવી સબસિડી મળે. એક મહિના દરમિયાન બોન્ડાઈ બીચ, ઓપેરા હાઉસ, હાર્બર બ્રીજ, મેનલી બીચ, બ્લુ માઉન્ટેન, કટુમ્બાં ફોલ્સ, શ્રી વૈકટેશ્વર મંદિર, સીડની માં મિન્ટો શિવ મંદિર, જેર્વીસ બે નો સૌથી સફેદ રેતીનો બીચ, હસ્કિશન બીચ, કિયામા બીચ, મેકવેર્યિમ સનસેટ પોઇન્ટ, બોટની ગાર્ડન, સીડની ટાઉનહોલ, તરોંગા ઝૂ, આ ઉપરાંત મોટા મોટા મોલ્સ અને રેસ્ટોરન્ટ. પાંચ દિવસની મેલબોર્ન ટ્રિપ પણ કરી, જેમાં ઓલ્ડ મેલબોર્ન સીટી, ફિડલર સ્ટેશન, સ્ટેટ લાઈબ્રેરી, નેશનલ ગેલેરી ઓફ વિક્ટોરિયા. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, ફિલીપ આઈલેન્ડ, બ્લુ પેંગ્વિન પરેડ, ગ્રેટ ઓશિયન હાઈવે, બેલ્સ બીચ, રેડ વુડ ફોરેસ્ટ, ટ્વેલ એ પોસ્ટલ અને ગીબસન સ્ટેપ, 88 માળ પર સ્કાય ડેક, અને લાસ્ટમા સીડની હેરિસ પાર્કની સ્વીટસ.! ઓસ્ટ્રેલિયા ને અજવાળાં પ્રદેશના દેશ તરીકે ઓળખવામાં આવે છે અને કોઈ જવાબદારી વગર માત્ર માણવાનું હોય, અમારી પણ સુંદર અને અજવાળી અનુભૂતિ જોડાયેલી રહેશે!
