રાજયમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 12000ને આંબી ગયો છે. અમદાવાદમાં દિવસે દિવસે સતત કોરોનામાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના 23000 એક્ટિવ કેસો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 350 કોરોનાના દર્દીઓ દાખલ છે. 65 દર્દીઓ ICUના દાખલ છે. અલગ અલગ જગ્યાએ 60 કિયોસ્કમાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
ગઈકાલે શહેરમાં 23000 ટેસ્ટ કરાયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં 60 જગ્યાએ ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે તેમજ દરેક અર્બન હેલ્થ સેન્ટરમાં RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના ગઈકાલે 23000 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં RTPCR ટેસ્ટ 17500, એન્ટીજનના 5500 ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. RTPCRમાં પોઝીટીવીટી રેટ 30 અને એન્ટીજન પોઝીટીવીટી રેટ 10 આવી રહ્યો છે.
ખાનગી હોસ્પિટલોમાં 2678 બેડ ખાલી
શહેરમાં AMC દ્વારા કોરોનાની સારવાર માટે 57 ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે 2744 બેડ રાખવામાં આવ્યા છે, જેમાંથી આઈસોલેશનના 792, HDUના 1013, ICUના 495 અને વેન્ટીલેટરના 236 બેડ મળીને 2678 બેડ ખાલી છે. જ્યારે 66 દર્દીઓ સારવાર હેઠળ છે. SVP હોસ્પિટલમાં કોરોનાના 73 દર્દીઓ દાખલ છે. આવી જ રીતે હોસ્પિટલો દ્વારા મેનેજ કરતા 3 કોવિડ કેર સેન્ટરમાં 151 બેડ ઉપલબ્ધ છે, જેમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
કઈ હોસ્પિટલમાં કેટલા દર્દી દાખલ છે તેની યાદી
અમદાવાદમાં 4000થી વધુ દૈનિક કેસ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે શહેરમાં 4340 અને જિલ્લામાં 69 મળીને કુલ 4409 કેસ નોંધાયા હતા. 1લી જાન્યુઆરીથી અત્યાર સુધી 39869 કેસ આવ્યા છે, જેમાં 24115 કેસ માત્ર 11થી 17 જાન્યુઆરીમાં આવ્યા છે. આમ 60 ટકા કેસ માત્ર 7 દિવસમાં આવ્યા છે. જ્યારે ગઈકાલે 1965 દર્દી કોરોનાને માત આપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા. અમદાવાદ શહેરમાં ગઈકાલે પણ 1 દર્દીનું કોરોનાથી મોત થયું. શહેરમાં હાલમાં કુલ 111 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન એક્ટિવ છે.
ગઈકાલે 4 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા
શહેરમાં 147 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. જેમાં ગઈકાલે સૌથી વધુ 52 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે જ્યારે 16 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. આમ હવે શહેરમાં કુલ 111 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો 151 મકાનોના 498 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શહેરમાં ખોખરાના તક્ષશીલા રેસીકોમમાં 56 મકાનમાં 206 લોકો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.