ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નરેશ પટેલનો હુંકાર: ‘સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જોઈએ’

0
20
જસદણમાં પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણી અને નેતાઓ દ્વારા અનેક નિવેદનો કરીને ખળભળાટ મચાવી દીધો છે
જસદણમાં પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણી અને નેતાઓ દ્વારા અનેક નિવેદનો કરીને ખળભળાટ મચાવી દીધો છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. રાજ્યમાં એક પછી એક સમાજ દ્વારા સરકાર પાસે વિવિધ માંગણીઓના નામે નાક દબાવવાનું શરૂ કર્યું છે. જસદણમાં પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણી અને નેતાઓ દ્વારા અનેક નિવેદનો કરીને ખળભળાટ મચાવી દીધો છે.

વિધાનસભા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવતા પાટીદાર પોલિટિક્સ એક્ટિવ થઈ ગયું છે. જસદણમાં ખોડલધામ નરેશ પટેલે ચૂંટણી પહેલા એક હુંકાર કરીને ખળભળાટ મચાવી દીધો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નરેશ પટેલે હુંકાર કરતા જણાવ્યું હતું કે,  ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવા જોઈએ. સાથે સાથે સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જોઈએ. આ નિવેદનના કારણે રાજકારણમાં પાટીદારોનું વર્ચસ્વ વધારવાની વાત કરી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા પાટીદાર સરપંચની માંગ પણ નરેશ પટેલે કરી છે. તમને જણાવી દઈએ કે નરેશ પટેલે પહેલા પાટીદાર મુખ્યમંત્રી, હવે પાટીદાર સરપંચની વાત કરતા પાટીદારોના વર્ચસ્વનો મુદ્દો ઉછળ્યો છે.

રાજકોટના જસદણમાં કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું છે કે, આજે ઘણા દીકરા દીકરીઓ સારી નોકરીઓ પર લાગી ગયા છે, પરંતુ તેમને યોગ્ય જગ્યાએ બેસાડવામાં આવે. કોઈ દીકરા દીકરીઓ સમાજનું કામ નહીં કરી શકે. તેના માટે એક મજબૂત રાજકારણની જરૂર છે. જેથી હું આહ્વાન કરીશ, કે આજે જે બાબતે જે લોકો રાજકારણમાં જાય તેમને મારે કહેવાનું છે કે, થોડા સમય પહેલા એક સ્વામીએ સાથ પુરાવ્યો હતો અને કહ્યું હતું કે, નરેશભાઈ જે રાજકારણની વાત કરે છે તે સાચી કરે છે. પરંતુ તમે એવા રાજકારીઓ ચૂંટો, કે તેઓ ખુરશી પર બેસે અને તેમની નજર સમાજ પર હોવી જોઈએ. 

તમને જણાવી દઈએ કે, જો કે આ પહેલીવાર નથી કે રાજકીય હોદા પર પાટીદાર હોવાની નરેશ પટેલે વાત કરી હોય. આ પહેલા પણ નરેશ પટેલ પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી માગ કરી ચૂક્યા છે. અગાઉ 12 જૂનના રોજ નરેશ પટેલે પાટીદાર સીએમની માગ કરી હતી.

અત્રે નોંધનીય છે કે, આ સિવાય ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જસદણમાં પાટીદાર સમાજ એક મંચ પર જણાવ્યું કે, પાટીદાર શૈક્ષણિક ભવનનું નિર્માણ થયુ તેનું લોકાર્પણ કરવામાં આવશે. પાટીદારો પર કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. તમામ કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરી અને ફરી કરીશું. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય આવ્યે બતાવીશું.

રાજકોટ – SPG અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે, અમારી માત્ર બે માંગણીઓ છે. શહીદ પરિવારોને નોકરી અને કેસ પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છીએ. પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે અમે વડીલોને સાથે રાખીને રજૂઆત કરીશું. અમારી માંગણીઓ 6 વર્ષ થી પુરી કરવામાં આવી નથી. પાટીદાર સમાજ દ્વારા આ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે. આટલા મોટા સમાજની માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે.