અમેરિકાના ન્યૂયોર્કથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે બ્રોન્ક્સમાં એક રહેણાંક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ આ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ચાલુ છે. આ ઘટનાને ન્યૂયોર્કમાં અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે.
‘ ભયાનક અને દુઃખદ ક્ષણ છે’
સીએનએનના રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળે પહોંચેલા મેયર એરિક એડમ્સે કહ્યું કે, ન્યૂયોર્ક સિટી માટે આ ખૂબ જ ભયાનક અને દુઃખદ ક્ષણ છે. આગની આ ઘટના આ શહેરને સતત પરેશાન કરતી રહેશે. તેમણે કહ્યું કે આગમાં મોટી સંખ્યામાં લોકો દાઝ્યા છે. 32 લોકોની હાલત ગંભીર છે જેમની સારવાર ચાલી રહી છે.આગ બ્રોન્ક્સ પ્રાણીસંગ્રહાલયની પશ્ચિમમાં 19 માળની ઇમારતમાં લાગી હતી. આગ સવારે 11 વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળેથી ફેલાઈ હતી. મેયરે કહ્યું કે, આ આગને ન્યૂયોર્કમાં સૌથી ભયાનક અકસ્માતોમાં ગણવામાં આવશે. આ દેશની સૌથી ખરાબ ઘટનાઓમાંની એક છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 200 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.આ દૂર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, આગથી ઘેરાયેલા લોકો મદદ માટે તેમના ફ્લોર પરથી હાથ હલાવતા રહ્યા. તેઓ આગની જ્વાળાઓમાં ખરાબ રીતે લપેટાઈ ગયા હતા. એએફપીના અહેવાલ અનુસાર, બિલ્ડિંગની નજીક રહેતા જ્યોર્જ કિંગે કહ્યું કે, ત્યાંના લોકોમા અફરાતફરીનો માહોલ થયો હતો. તેમણે કહ્યું, ‘હું અહીં 15 વર્ષથી છું અને મેં પહેલીવાર આવી ઘટના જોઈ છે. મેં બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોયો. મોટી સંખ્યામાં લોકો મદદ માંગી રહ્યા હતા. લોકો બારીમાંથી હાથ હલાવતા હતા.