નવી દિલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુરુવારે અડધી રાત્રે 13 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા, જે અત્યારસુધી ચાલુ છે. ટેરર ફંડિંગ કેસમાં કરવામાં આવી રહેલી આ કાર્યવાહી હેઠળ સંગઠન સાથે જોડાયેલા 106 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંગઠન પ્રમુખ ઓમા સાલમની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, કેરળ, કર્નાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, આસામ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, પુડ્ડુચેરી અને રાજસ્થાનમાં NIA અને EDની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન ગૃહ મંત્રાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. જેમાં NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા અને NIAના મહાનિર્દેશક હાજર રહ્યા હતા. NIA અને EDના દરોડાના વિરોધમાં પીએફઆઈના કાર્યકરો કેરળ, મલ્લપુરમ, તમિલનાડુના ચેન્નઈ, કર્ણાટકના મંગલુરૂમાં રોડ પર ઉતરી વિરોધ દર્શાવ્યો. કેરળમાં કાર્યકરોએ ચક્કાજામ કરતા પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો, PFIએ નિવેદન આપતા જણાવ્યું કે અવાજ દબાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.કેરળમાં પ્રોફેસર ટીજે જોસેફનો હાથ કાપવાની 2010ની ઘટના બાદ PFI સંગઠન પહેલીવાર ચર્ચામાં આવ્યું હતું. પ્રોફેસર જોસેફ પર પયગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ હતો. આ પછી કહેવાય છે કે પ્રોફેસર જોસેફના હાથ PFI કાર્યકરોએ કાપી નાખ્યા હતા.પોપ્યુલર ફ્રન્ટ ઈન્ડિયા (PFI)ની રચના 2007માં મનીતા નીતિ પાસરાઈ (MNP) અને નેશનલ ડેવલપમેન્ટ ફંડ (NDF) નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સંગઠન માત્ર દક્ષિણ ભારતનાં રાજ્યોમાં જ સક્રિય હતું, પરંતુ હવે એ યુપી-બિહાર સહિત 20 રાજ્યોમાં વિસ્તર્યું છે.18 સપ્ટેમ્બરે કેરળના કોઝિકોડમાં એક રેલી દરમિયાન PFI નેતા અફઝલ કાસિમીએ કહ્યું- સંઘ પરિવાર અને સરકારના લોકો અમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જ્યારે પણ ઇસ્લામ પર ખતરો હશે ત્યારે અમે શહાદત આપવાથી પાછળ નહીં હટીએ. કાસિમીએ કહ્યું હતું- આઝાદીની બીજી લડાઈ છે અને મુસ્લિમોએ જેહાદ માટે તૈયાર રહેવું પડશે. સમાજમાં સાંપ્રદાયિકતા ફેલાવવાના આરોપસર PFI હાલમાં માત્ર ઝારખંડમાં પ્રતિબંધિત છે, જેની સામે સંસ્થાએ કોર્ટમાં અપીલ પણ કરી છે. એ જ સમયે કેન્દ્ર સરકાર પણ PFI પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આ માટે ઓગસ્ટમાં જ એક ટીમ બનાવવામાં આવી હતી, જેને ત્રણ મોરચે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.