નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ગઈ કાલ 29મી નવેમ્બરથી શરૂ થઈ ગયું. આ સત્રની કાર્યવાહી દરમિાયન 12 સાંસદનો રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાંસદો પર ચોમાસુ સત્રમાં હંગામો કરવા બદલ આ કાર્યવાહી થઈ. પરંતુ હવે એવું મનાઈ રહ્યું છે કે સાંસદોનું આ સસ્પેન્શન પાછું ખેંચાઈ શકે છે. જો કે તે માટે સસ્પેન્ડેડ સાંસદોએ પોતાની ગેરવર્તણૂક માટે માફી માંગવી પડશે. શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઈ.
સભાપતિએ કહ્યું- સસ્પેન્શન પાછું નહીં ખેંચાય
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે સાંસદોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય. તેમણે કહ્યું કે સાંસદ પોતાના પર પશ્ચાતાપ કરવાની જગ્યાએ તેને ન્યાયોચિત ઠેરવવા પર તુલ્યા છે. આવામાં તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાનો સવાલ જ નથી ઉઠતો. અત્રે જણાવવાનું કે આજે બીજા દિવસે કાર્યવાહી શરૂ થતા જ ખડગેએ કહ્યું કે નિયમોનો હવાલો આપીને સાંસદોના સંસ્પેશનનો કોઈ આધાર નથી આથી આ નિર્ણય પાછો ખેંચાવવો જોઈએ. ખડગેએ તમામ 12 વિપક્ષી સાંસદોને સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે મંજૂરી માંગી હતી. ત્યારબાદ સભાપતિએ કહ્યુંકે સસ્પેન્શનની કાર્યવાહી તેમની નહતી, પરંતુ ગૃહની હતી. સભાપતિએ કહ્યું કે રાજ્યસભા નિરંતર ચાલતું ગૃહ છે. તેનો કાર્યકાળ ક્યારેય ખતમ થતો નથી. રાજ્યસભાના સભાપતિને સંસદીય કાનૂનની કલમ 256, 259, 266 સહિત અન્ય કલમો હેઠળ અધિકાર મળ્યા છે કે તે કાર્યવાહી કરી શકે છે અને ગૃહ પણ કાર્યવાહી કરી શકે છે. ગઈ કાલની કાર્યવાહી સભાપતિની નહીં પરંતુ ગૃહની હતી. ગૃહમાં આ અંગે પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેના આધારે કાર્યવાહી કરાઈ છે.