અમરિષ ડેર વિશે પાટીલનો યુ ટર્ન, હવે કહ્યું-કોઈ કોંગ્રેસીને ભાજપમાં લેવામાં નહિ આવે

0
17
નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે છે, ત્યારે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અમરિષ ડેર મામલે મોટુ નિવેદન આપ્યું છે
નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે છે, ત્યારે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અમરિષ ડેર મામલે મોટુ નિવેદન આપ્યું છે

રાજકોટ :ભારે રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે છે. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે છે, ત્યારે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અમરિષ ડેર મામલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં તેમને આમંત્રણ નથી આપ્યું, અમરીશ ડેર જ નહિ, હું કોઈ પણ કોંગ્રેસીને ભાજપમાં લેવા તૈયાર નથી. સાથે જ પાટીદાર આંદોલનના 78 કેસ પાછા ખેંચાશે તેવુ નિવેદન પણ આપ્યું છે. 

રાજકોટમાં પત્રકાર પરિષદમાં સીઆર પાટીલે રાજકોજ ભાજપમાં જૂથવાદ અને કોંગ્રેસના ધારાસભ્ય અમરિષ ડેરને ભાજપમાં આમંત્રણ વિશે સ્પષ્ટતા કરી હતી. સંબોધતા સીઆર પાટીલે કહ્યું કે, મારા કહેવાનો મતલબ તેમને ભાજપમાં આવકારવાનો ન હતો. મેં અમરિષ ડેરને કોઈ આમંત્રણ નથી આપ્યું. મેં માત્ર વાત કરી છે. હું કોઈ પણ કોંગ્રેસીને ભાજપમાં લેવા તૈયાર નથી. કોઈ કોંગ્રેસના લોકોને લેવામાં આવશે નહીં. પાર્ટીના કાર્યકર્તા સમક્ષ છે. ચૂંટણી જીતવા માટે તમામ પડકારોનો સામનો કરી પાર્ટીને જીતાડવા કાર્યકરોને કામે લગાડવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યુ કે, પાટીદાર આંદોલનના ઘણા બધા કેસો પાછા ખેંચી લીધા છે. બીજા 78 કેસો પાછા ખેંચવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દેશની અંદર લોકોએ જે ખાવું હોય તેની સ્વતંત્રતા છે. લોકો નોન-વેજ પણ ખાઈ શકે છે. પ્રતિબંધિત નથી તે વસ્તુ લોકો વેચી શકે છે. તો બીજી તરફ રાજકોટ ભાજપમાં ચાલી રહેલા જૂથવાદ વિશે કહ્યું કે,  રાજકોટમાં કોઈ જૂથવાદ નથી. રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે. પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે. આગામી ચૂંટણીને લગતા પડકારો છે. આગામી ચૂંટણીઓ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં જ લડવામાં આવશે. વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે. 

અમરિષ ડેર મામલે પાટીલનો યુ ટર્ન
બે દિવસ પહેલા આહીર સમાજના બાબરીયા ધાર સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરિષ ડેર  પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું હતું. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા આમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જાય છે. 

ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે મોટાપાયે તોડજોડનું રાજકારણ અપનાવ્યુ હતું. કોંગ્રેસના અનેક ધારાસભ્યોને પોતાના પક્ષોમાં ખેંચ્યા હતા. ત્યારે સીઆર પાટીલનું કોંગ્રેસીઓને ભાજપમાં ન લેવાનુ નિવેદન મોટું કહી શકાય.