
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુરના ચુરાચંદપુર પહોંચ્યા છે. તેઓ ત્યાં હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે રાજ્યમાં શાંતિ, વિકાસ અને વિશ્વાસનો સંદેશ આપ્યો હતો. તેમણે મણિપુરના સામાજિક અને આર્થિક વિકાસ માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ કહ્યું કે, હવે મણિપુરનો દરેક નાગરિક વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે અને આ રાજ્ય આશાનું નવું ઉદાહરણ બની રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, મણિપુરના નામમાં જ ‘મણિ’ છે, જે સમગ્ર ઉત્તર પૂર્વની ચમકને આગળ લઈ જશે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મણિપુરમાં હિંસાએ આ વિસ્તારને અસર કરી હતી, પરંતુ હવે બધા સમુદાયો શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે. તેમણે તમામ સંગઠનો અને જૂથોને સામાજિક સંવાદિતા અને પરસ્પર સમજણ સાથે આગળ વધવા અપીલ કરી હતી. ઘણા જૂથો વચ્ચે કરાર પણ થયા છે. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, ભારત સરકાર અને મણિપુર સરકાર વિસ્થાપિત લોકોને યોગ્ય સ્થળોએ પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. પીએમ મોદીએ મણિપુરના લોકોને 8,500 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ તરીકે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.


