ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દયનીય થઇ રહી છે. આ મામલે રાજકોટના એક વિદ્યાર્થીએ વડાપ્રધાન કાર્યાલયને રજૂઆત કરતા પીએમઓ(વડાપ્રધાન કાર્યાલય) દ્વારા આ અંગે યોગ્ય કરવા સીએમઓ(મુખ્યમંત્રી કાર્યાલય)ને સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ સીએમઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ.નીલાંબરી દવેને વિદ્યાર્થીની વાત સાંભળવા આદેશ કર્યો હતો. આમ છતાં કુલપતિએ પીએમઓ અને સીએમઓના આદેશને ગંભીરતાથી લેવાને બદલે આપઘાતનો વિચાર કરી રહેલા વિદ્યાર્થીને 20 દિવસ મળવાનો સમય આપ્યો છે.
પીએમઓએ સીએમઓને સૂચના આપી
ગુજરાતમાં શિક્ષણ કથળ્યું હોવાના મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ પીએમઓમાં રજૂઆત કરી હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડાયેલી કોલેજો તગડી ફી વસૂલે છે, પણ સરખું ભણાવતી નથી. મને તો આવા ભણતરથી સતત આપઘાતના વિચાર આવતા હતા. પીએમઓમાં 18 ઓક્ટોબરના રોજ રજૂઆત કર્યા બાદ વડાપ્રધાન કાર્યાલયે આ વાતને ગંભીરતાથી લઇ વિદ્યાર્થીને ન્યાય અપાવવા મુખ્યમંત્રી કાર્યાલયને જાણ કરી હતી. જેને પગલે તાત્કાલિક અસરથી સીએમ ઓફિસે પણ કુલપતિને વિદ્યાર્થીને સાંભળવા માટે સૂચના આપી હતી.
કુલપતિએ તાત્કાલિક મળવાને બદલે 20 દિવસ બાદનો સમય આપ્યો
ત્યાર બાદ 23 ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીના ઇમેલને ગંભીરતાથી લેવાને બદલે કુલપતિએ 20 દિવસ બાદ એટલે કે 13 નવેમ્બરના રોજ વિદ્યાર્થીને મળવા માટે બોલાવ્યો છે.
આત્મહત્યાનો વિચાર કરતા કોઇપણ વ્યક્તિને 20 મિનિટની અંદર મળવું જોઇએ
આમ સવાલ એ થાય કે, કુલપતિની જવાબદારી વિદ્યાર્થીઓને સાંભળવાની છે પણ અહીં તો આત્મહત્યા કરવાનો વિચાર કરતા વિદ્યાર્થીને પણ 20 દિવસ બાદ મળવા બોલાવ્યો છે. માનવતાના ધોરણે આત્મહત્યા કરવાનો વિચાર કરનારા કોઇપણ વ્યક્તિ સાથે 20 મિનિટમાં જ વાતચીત કરીને તેને હૈયાધારણા આપવા માટે કાઉન્સેલિંગ કરવાનું હોય છે. પરંતુ અહીં કુલપતિ 20 મિનિટને બદલે 20 દિવસનો સમય આપે છે.