
જમ્મુ અને કાશ્મીર સરકારે પેહલગામ આતંકવાદી હુમલાથી પીડિત પરિવારો માટે મફત આવાસ પૂરો પાડવા માટે એક ઐતિહાસિક પુનર્વસન પહેલ શરૂ કરી છે, જે “ઓપરેશન સિંધૂર”ના સતત માળખા હેઠળ અમલમાં આવશે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર ૧,૫૦૦ સ્માર્ટ મકાન બનાવવામાં આવશે. રાજભવન, શ્રીનગર ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની હાજરીમાં ગઇકાલે જમ્મુ-કાશ્મીર સરકાર અને એચઆરડીએસ ઇન્ડિયા વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સરકાર તરફથી ડિવિઝનલ કમિશનર જમ્મુ રમેશકુમાર (આઇએએસ) અને એડિશનલ કમિશનર કાશ્મીર અંશુલ ગર્ગ (આઇએએસ)એ હસ્તાક્ષર કર્યા હતા, જ્યારે એચઆરડીએસ ઇન્ડિયાની તરફથી ફાઉન્ડર સેક્રેટરી એ.જી. કૃષ્ણનએ હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સાકાર થઈ છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહના રક્ષા મંત્રાલયના સહકાર સાથે આ કાર્યાન્વયનની જવાબદારી એચઆરડીએસ ઇન્ડિયાને સોંપવામાં આવી છે. દરેક સ્માર્ટ મકાન ૭૦૨ ચોરસ ફૂટ વિસ્તારમાં બે માળ સાથે ત્રણ બેડરૂમવાળું હશે અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે. યોજનામાં નીચેની સેવાઓ પણ આપવામાં આવશે: બી.એસ.એન.એલ.ના સહયોગથી મફત ઇન્ટરનેટ, આરોગ્ય અને શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવન ની તાલીમ, દર પાંચ વર્ષે મકાનનું મફત રીપેઇન્ટિંગ, સરકારી કલ્યાણ યોજનાઓની જાણકારી માટે સ્વયંસેવકોની મુલાકાતો અને તમામ મકાનો માટે ૩૦ વર્ષની ગેરંટી. છેલ્લા ૩૦ વર્ષથી એચઆરડીએસ ઇન્ડિયા વંચિત અને આદિવાસી સમુદાયો માટે વિકાસ કાર્ય કરી રહી છે. ૨૦થી વધુ રાજ્યોમાં મફત આવાસ યોજનાઓના સફળ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ આ સંસ્થાને આ ઐતિહાસિક મિશન હાથ ધરવાનો વિશ્વાસ મળ્યો છે. ફાઉન્ડર સેક્રેટરી એ.જી. કૃષ્ણને જણાવ્યું કે મોટા પાયે આવાસ પ્રોજેક્ટ્સમાં પ્રાપ્ત અનુભવ આ મહત્ત્વાકાંક્ષી પહેલનું આધારસ્તંભ બનશે.


