નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ભવન પાસેના મુઘલ ગાર્ડનનું નામ બદલી નાખવામાં આવ્યુ છે. હાલમા ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના અવસરને ધ્યાનમાં રાખીને આ ગાર્ડનનું નામ હવે અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યુ છે. જો કે આ પહેલા પણ દિલ્હીમાં મુઘલ શાસકોના નામથી ઓળખાતા રસ્તાઓના નામ પણ બદલાવી નાખવામાં આવ્યા હતા. જેમા ઔંરગઝેબ રોડનુ નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનથી જાહેર કરવામાં આવેલ એક નિવેદન મુજબ આગામી તા. 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી સામાન્ય જનતા માટે અમૃત ઉદ્યાન ખુલ્લો મુકવામાં આવશે. આ પછી 28 માર્ચે માત્ર ખેડુતો માટે અને 29 માર્ચથી દિવ્યાંગો માટે ખુલ્લો મુકવામાં આવશે. તેમજ આ પછી 30 માર્ચે પોલિસ, સુરક્ષા સેના તેમજ સૈનિકોના પરિવારો માટે અમૃત ઉદ્યાન ખુલ્લો રાખવામાં આવશે. આ દરમ્યાન મુલાકાતીઓ અહી સુંદર ફુલોની સાથે આનંદ માણી શકશે. અમૃત ઉદ્યાન ગાર્ડન સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવશે. અમૃત ઉદ્યાનમા જવા માટે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી 7500 લોકો માટે ટીકીટ ફાળવવામાં આવશે. ત્યારબાદ બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી બીજા 10000 લોકો માટે ટીકીટ ફાળવવામાં આવશે. આ વ્યવસ્થા રાષ્ટ્રપતિ ભવન તરફથી કરવામાં આવશે. અને આ ટીકીટ માત્ર ઓનલાઈન બુકિંગ મારફતે જ મળી શકશે. એટલે એડવાન્સ ઓનલાઈન ટીકીટ મેળવ્યા પછી જ અમૃત ઉદ્યાન ગાર્ડનમાં એન્ટ્રી મેળવી શકાશે.