સ્થાવર મિલકતમાં તેજી: અમદાવાદ શહેરમાં 6 માસમાં મકાનોની નવી સ્કીમમાં 137 ટકા, વેચાણમાં 67 ટકા વધારો

0
20
અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં સ્કીમ-વેચાણ વધ્યા પરંતુ ભાવમાં કોઈ વધારો થયો નથી, માત્ર વસ્ત્રાલમાં કિંમતમાં 2 ટકા વધારો
અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં સ્કીમ-વેચાણ વધ્યા પરંતુ ભાવમાં કોઈ વધારો થયો નથી, માત્ર વસ્ત્રાલમાં કિંમતમાં 2 ટકા વધારો




અમદાવાદ શહેરમાં ફરીથી રહેણાંકના મકાનોનું માર્કેટ તેજી તરફ આગળ વધી રહ્યું હોવાનું જાણીતી રીયલ એસ્ટેટ સરવેયર કંપની નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના સરવેમાં બહાર આવ્યું છે. એક તરફ શહેરમાં ગત જુલાઇ-ડીસેમ્બર 2020ના છ માસ કરતાં જાન્યુઆરી-જૂન 2021ના છ માસમાં રહેણાંકની નવી સ્કીમોમાં 137 ટકાનો વધારો અને વેચાણમાં 67 ટકાનો વધારો નોંધાયો છે. એક તરફ અમદાવાદમાં સમગ્ર રીતે જોતાં રહેણાંકના મકાનોમાં કોઇ ભાવ વધારો નોંધાયો નથી, તો બીજી તરફ વસ્ત્રાલમાં છેલ્લાં 6 માસમાં જ 2 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે. શહેરમાં છેલ્લા 6 માસમાં 6226 મકાનોનું લોન્ચિંગ થયું જ્યારે 4208 મકાનોનું વેચાણ નોંધાયું છે.નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ જાહેર કરેલા તેના સરવેમાં અનેક મહત્વની બાબતો સામે આવી છે. જેમાં કોરોનાની પહેલી લહેરમાં જ્યાં નવી સ્કીમ બનવી ધીમી પડી હતી, જોકે બીજી લહેરમાં આ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. દેશમાં હૈદરાબાદ અને કોલકાતા બાદ સૌથી વધુ નવી સ્કીમની વૃદ્ધી અમદાવાદમાં જોવા મળી છે. 2020ના છેલ્લા છ માસમાં જ્યાં નવી સ્કીમમાં 36 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યાં તેની સામે 2021ના ચાલુ વર્ષે છ માસમાં 137 ટકાનો વધારો જોવા મળ્યો છે. સાથે વેચાણમાં પણ 2020ના છ માસમાં 61 ટકાનો ઘટાડો થયો હતો ત્યાં ચાલુ વર્ષે છ માસમાં 67 ટકાનો વધારો નોંધાયો છે.શહેરમાં સૌથી વધુ નવી સ્કીમો એસજી હાઇવે, પ્રહલાદનગર, બોપલ, થલતેજ અને સાયન્સ સિટી રોડ પર મુકાઇ છે. ત્યારે વેચાણ ગોતા, ન્યુ રાણીપ, ત્રાગડ, ચાંદખેડા અને મોટેરામાં વધ્યું છે. શહેરમાં ખાસ કરીને 50 લાખથી ઓછી કિંમતના મકાનોનું વેચાણ 70 ટકા છે, 50 લાખથી 1 કરોડ સુધીના મકાનોનું વેચાણ 22 ટકા જ્યારે 1 કરોડથી વધુની કિંમતના 8 ટકા મકાનોનું વેચાણ જોવા મળ્યું છે.સરવેના તારણ મુજબ રહેણાક મકાનોનું માર્કેટ ફરી એકવાર તેજી તરફ આગળ વધી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે સ્કીમ-સંખ્યા વધવા છતાં ભાવ પર અસર થઈ નથી.શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી વેચાયા વિના પડી રહેલા મકાનો પણ વધી રહ્યાં છે. અમદાવાદમાં અત્યારે 12512 જેટલા મકાનો વેચાયા વિનાના પડી રહ્યાં છે. જેમાં છેલ્લા 3 માસમાં બનીને પડ્યા રહેલા મકાનો 5.2 ટકા છે. નોંધનીય છેકે, તેમાં પણ સૌથી વધુ મકાનો એસજી હાઇવે, પ્રહલાદનગર, બોપલ, થલતેજ અને સાયન્સસિટી વિસ્તારમાં 4683 જેટલાં વણવેચાયેલા પડી રહ્યા છે. જ્યારે ગોતા, ન્યુ રાણીપ, ત્રાગડ, ચાંદખેડા, મોટેરામાં સૌથી ઓછા 1314 જેટલા મકાનો વણવેચાયેલા પડ્યા રહ્યા છે.