
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે, સોમવારે, રોકાણકારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ચલણ બજારમાં રૂપિયાએ અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર નોંધાવ્યું હતું. વિદેશી ભંડોળના સતત વેચાણ અને વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું.બજારની સૌથી મોટી ચિંતા રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને લઈને હતી. ભારતીય રૂપિયો આજે અમેરિકન ડૉલર સામે વધુ ગગડીને 90.71ની નવી રૅકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આયાતકારો દ્વારા ડૉલરની ભારે માંગ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચવાને કારણે રૂપિયા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો આ વલણ ચાલુ રહેશે તો આયાત મોંઘી થઈ શકે છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર પડી શકે છે.સેન્સેક્સની વાત કરીએ તો શુક્રવારનું સેન્સેક્સનું ક્લૉઝિંગ 85,267.66 પર થયું હતું જે આજે સોમવારે ખૂલતાં જ 84,840.32 પર પહોંચી ગયું હતું. જે 427 પોઇન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી તેમાં રિકવરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારનું ક્લૉઝિંગ 26046.95 પર હતું. જે આજે સોમવારે ખૂલતાં જ 25,904.75 પર પહોંચી ગયું હતું. જે 142 પોઇન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી એમાં પણ રિકવરી દેખાઈ હતી.


