સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું રાજીનામું લેવામાં આવ્યું છે. તેમનું રાજીનામું પરત લેવામાં આવે એવી માગ સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા છે. ખરા તડકામાં વિરોધ પર વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ઊતર્યા છે. તમામની એક જ માગ છે કે પ્રિન્સિપાલનું રાજીનામું પરત લેવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ દેખાવો કરતા રહેશે. જોકે આ બાબતે શાળાના સંચાલકો દ્વારા કોઈ જ જવાબ ન અપાતો હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.રાંદેરની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓએ આજે શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયને લઇને વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. પ્રિન્સિપાલ જિજ્ઞેશભાઈ પટેલનું કોમર્સ ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા રાજીનામું લઈ લેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ પહોંચીને સૂત્રોચ્ચાર કરી વિરોધપ્રદર્શન કર્યું હતું.કોમર્સ ફેકલ્ટીના જિજ્ઞેશ સરને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરદસ્તીથી રાજીનામા લખાવી દેવાની વાત સામે આવતાં વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલી આકારે તેમના વિસ્તારમાંથી નીકળીને શાળાના ગેટ પર એકત્રિત થઈ ગયા હતા. શાળા બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધરણાં શરૂ કર્યા હતા. આશરે 300થી 400 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્કૂલ પર ધરણાંમાં જોડાયા હતા.કોમર્સ પ્રવાહની વિદ્યાર્થિની શ્રેયા પટેલે જણાવ્યું કે જિજ્ઞેશ સર વિદ્યાર્થીઓના હિતમાં હંમેશાં ટ્રસ્ટીઓ સામે રજૂઆતો કરતા રહેતા હતા. વિદ્યાર્થીઓને વધુપડતા માનસિક ત્રાસ આપવામાં આવે એ પ્રકારનો અભ્યાસને લઈને અમારા શિક્ષક હંમેશાં વિરોધ કરતા હતા. એને કારણે તેમને ટ્રસ્ટીઓ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા હતા. તેમને ગાંડામાં ખપાવી દેવાની વાત કરતા હતા. અમે તમામ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટીઓને કહેવામાં આવ્યું છે કે જો અમારા સરને પરત નહીં લેવાય તો અમે બધા શાળામાંથી એલસી લઈશું. વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસા ગાઈને વિરોધ યથાવત્ રાખવામાં આવ્યો છે.