‘ગુજરાતના લોકોને ખબર છે ઠગ કોણ છે, ગુજરાતીઓને મફતનું ફાવતું નથી’:સીઆર પાટીલ

0
21
મફતની વસ્તુ આપવાથી તમને કોઈ મત આપવાના નથીઃ પાટીલ
મફતની વસ્તુ આપવાથી તમને કોઈ મત આપવાના નથીઃ પાટીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મિશન 182ને પાર પાડવા માટે પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલ એક્ટિવ થઈ ગયા છે. કડોદરા ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટીલે નામ લીધા વિના કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના લોકોને મફતની વસ્તુ ખપતી નથી, મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે. મફતની વસ્તુ આપવાથી તમને કોઈ મત આપવાના નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં જ્યારે ઈલેક્શન આવે છે ત્યારે ચોમાસામાં જેમ દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરતા આવી જાય, એમ કેટલીક પાર્ટીઓના આગેવાનો પણ આવી જતા હોય છે. મફલર પહેરે એટલે દિલ્હીમાં ખબર પડે કે ઠંડી આવે છે અને એ વ્યક્તિ ઠગ નહીં, મહાઠગ છે. એ આ રાજ્યની અંદર મફતની ઓફર કરવાનો પ્રયાસ કરે છે. મેં તેને જાહેર મંચ પરથી પહેલાં પણ કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે ગુજરાતની પોતાની એક સંસ્કૃતિ છે. ગુજરાત પ્રદેશની એક વિશિષ્ઠતા છે. ગુજરાતીઓની પોતાની પણ વિશિષ્ઠતા છે. ગુજરાતી હાથ લંબાવે તો આપવા માટે લંબાવે, માગવા માટે ક્યારેક હાથ નહીં લંબાવે. મફતનું કશું ખપતું નથી. મફતની ઓફર આપવાથી તમને કોઈ મત આપવાના નથી.2022ની ચૂંટણી પહેલાં ભાજપના પ્રદેશ-પ્રમુખ પાટીલનો દરેક જિલ્લામાં પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. પ્રત્યેક જિલ્લામાં વન ડે વન ડિસ્ટિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપના પ્રમુખ મુલાકાત કરશે, જેની શરૂઆત તાપી જિલ્લાથી કરવામાં આવી હતી. આજે કડોદરા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રત્યેક જિલ્લામાં પાટીલ 24 કલાકથી માંડી 36 કલાક કાર્યકરો સાથે વિતાવશે. 24 કલાક પ્રત્યેક જિલ્લામાં પ્રથમ પેજ સમિતિ ચિતાર મેળવશે. નબળા બૂથ પર એક્ટિવ કામગીરીનું કાર્યકરો સૂચન આપશે. જિલ્લા મુલાકાતમાં પ્રથમ સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય સાથે બેઠક યોજશે.મિશન 182ને પાર પાડવા માટે 2017માં ગુમાવેલી બેઠકની હારનાં કારણો જાણીને એની ત્રુટિઓ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરશે. પ્રત્યેક જિલ્લાનાં બૂથ કેન્દ્રો, શક્તિકેન્દ્રો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હારેલા પ્રતિનિધિઓ માઇન્સ બૂથના મેનેજમેન્ટ તથા પેજ કમિટીની રૂપરેખાનો ચિતાર મેળવશે. તમામ હોદ્દેદારો જે પણ ચર્ચા થશે, મિનિટ ટુ મિનિટની નોંધણી કરશે.