દેશનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ આગામી મહિને માર્ચમાં યોજાઈ શકે છે. કેન્દ્ર સરકાર આગામી સપ્તાહે સેબી સમક્ષ આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે. ઈશ્યૂનો અમુક હિસ્સો એન્કર ઈન્વેસ્ટર્સ માટે અનામત રાખશે. દિપમ (ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ)ના સચિવ તુહિન કાંતા પાંડેએ આ અંગે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સને મંજૂરીની રાહ જોઈ રહ્યાં છીએ. બાદમાં સેબીની મંજૂરી સાથે માર્ચમાં આઈપીઓ આવી શકે છે.
નાણા મંત્રીએ બજેટ 2022-23 સ્પીચમાં એલઆઈસીનો આઈપીઓ ટૂંકસમયમાં યોજાવાની જાહેરાત કરી હતી. સરકાર ઈન્સ્યોરન્સ સેક્ટરની ટોચની કંપનીના ડિસઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત આઈપીઓ મારફત અંદાજિત રૂ. 78 હજાર કરોડનું ફંડ એકત્ર કરશે. એલઆઈસીની એમ્બેડેડ વેલ્યૂ નિર્ધારિત કરી ચૂકી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ હેઠળ હાલમાં જ સરકારે એર ઈન્ડિયાના ખાનગીકરણ દ્વારા રૂ. 12 હજાર કરોડ એકત્ર કર્યા હતાં.
LICના આઈપીઓ વિશે જાણવા જેવું
- ઈશ્યૂ સાઈઝના 10 ટકા રકમ પોલિસી હોલ્ડર્સ માટે અનામત
- એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 25 હજાર કરોડ એકત્ર કરવાની યોજના
- પોલિસી હોલ્ડર્સે શેર્સ મેળવવા પાનકાર્ડ લિંક કરી રજિસ્ટ્રેશન કરાવવુ પડશે
- સરકારે ઈશ્યૂ સાઈઝ ઘટાડી, 10 ટકાના બદલે 5 ટકા હિસ્સો વેચશે
એલઆઈસી માટે એફડીઆઈ નીતિમાં ફેરફાર કરાશે
એલઆઈસીના આઈપીઓમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ડીપીઆઈઆઈટીએ કેન્દ્રીય કેબિનેટને એફડીઆઈ નીતિમાં ફેરફાર કરવા માગ કરી છે. હાલ ઈન્સ્યોરન્સ સેક્ટર માટે 75 ટકા એફડીઆઈને મંજૂરી છે. જો કે, એલઆઈસીને તેમાંથી બાકાત રાખવામાં આવી છે. વિદેશી રોકાણ માટે તેમાં કોઈ જોગવાઈ નથી. જેથી સરકાર સમક્ષ ટૂંકસમયમાં એફડીઆઈને મંજૂરી આપવા ભલામણ કરાઈ છે. સેબીના નિયમો મુજબ, આઈપીઓ ઓફર અંતર્ગત એફપીઆઈ અને એફડીઆઈને મંજૂરી હોય છે.