દિલ્હી :-ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય દ્વિમાસિક બેઠક બાદ શુક્રવારે વ્યાજદરો જાહેર કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સમિતિએ સતત આઠમી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. આ સતત આઠમી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે રેપો રેટ યથાવત રાખ્યો છે.
આ સાથે જ રિઝર્વ બેંકે કોવિડ -19ની બીજી લહેર બાદ અર્થતંત્રમાં સુધારાના સંકેતો વચ્ચે પોતાનું નાણાકીય વલણ નરમ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે અને રિવર્સ રેપો રેટ તે દર છે કે જેના પર તે બેંકો પાસેથી ઉધાર લે છે.
ગવર્નર દાસે જણાવ્ચું કે, સમિતિએ માર્કેટ સેન્ટીમેન્ટ અને ફાઇનેન્શિયલ આઉટલુકને જોતાં સતત આઠમી વખત ઉદાર વલણ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, આર્થિક ઉત્પાદન હજુ પણ કોવિડના પહેલાંના સ્તરની નીચે છે, પરંતુ મોંઘવારીનું વલણ અપેક્ષિત કરતાં વધુ અનુકૂળ છે અને આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે વધી રહી છે. હાઇ ફ્રીક્વન્સી ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે બીજા ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિમાં તેજી આવી છે.
આરબીઆઇએ આ વખતે જીડીપી વૃદ્ધિના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાકીય વર્ષ 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિનું અનુમાન 9.5% જાળવી રાખવામાં આવ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે સીપીઆઈ ફુગાવો 5.3 ટકા રહેવાનો અંદાજ છે.