વિરાટ વધુ એક માઈલસ્ટોનથી માત્ર 40 રન દૂર, સચિન બાદ આ રેકોર્ડ બનાવનાર બનશે બીજો ભારતીય

0
10
હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાના મામલે સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં 84 રન બનાવીને સંગાકારાનો રેકોર્ડ તોડી દેશે

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. તેંડુલકરના નામે ભારતીય પિચો પર 14192 રન છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલથી 3 મેચોની T20I સીરિઝ રમાનાર છે. આ સીરિઝમાં કોહલી જો 40 રન બનાવશે તો તેના નામે એક મોટો રેકોર્ડ નોંધાશે. અફઘાનિસ્તાન સામે રમાનાર સીરિઝમાં વિરાટ કોહલીના 40 રન બનાવતાની સાથે તેના હોમગ્રાઉન્ડ પર 12,000 રન પૂરા થઇ જશે. હોમગ્રાઉન્ડ પર 12,000 કે તેથી વધુ રન બનાવનાર કોહલી બીજો ભારતીય બેટ્સમેન બની જશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની યાદીમાં સચિન પછી ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનું નામ આવે છે. તેણે ઓસ્ટ્રેલિયાની પિચો પર કુલ 13,117 રન બનાવ્યા છે.સાઉથ આફ્રિકાના જેક કાલિસનું નામ આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેણે સાઉથ આફ્રિકાના મેદાનો પર 12,305 રન બનાવ્યા છે. શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારા 12,043 રન સાથે આ યાદીમાં ચોથા નંબરે છે. વિરાટ કોહલી આ યાદીમાં પાંચમાં સ્થાને છે. કોહલી ટોપ-5માં એકમાત્ર વર્તમાન ક્રિકેટર છે, જ્યારે બાકીના ચાર ખેલાડીઓ લાંબા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. જો કોહલી અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં 40 રન બનાવે છે તો તે હોમગ્રાઉન્ડ પર 12,000 રનનો આંકડો સ્પર્શનાર પાંચમો ખેલાડી બની જશે. આ ઉપરાંત જો કોહલી 84 રન બનાવી લે છે તો તે કુમાર સંગાકારાથી આગળ નીકળી શકે છે.