ગુજરાત પોલીસ ગ્રેડ-પે મામલે એક અઠવાડિયાથી વધુ સમયથી શરૂ થયેલા આંદોલન પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યું છે. ત્યારે ગઈકાલે બાપુનગર પોલીસ જમાદાર સચિવાલય પર ધરણા પણ બેઠા પછી તેની અટકાયત થતાં રાજય પોલીસ કર્મચારીઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. જેનાં પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ પડતર માંગણીઓને લઈ પોલીસ કર્મચારીઓના પરિવારજનો દ્વારા ધરણાં શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતભરમાંથી આંદોલનકારી પોલીસ કર્મચારીઓ જૂથમાં ગાંધીનગર તરફ આવી રહ્યાં છે તે જોતા સાંજ સુધીમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. જેનાં સમર્થનમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને અપક્ષ ધારસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.
સોશિયલ મિડિયા માધ્યમથી ચાલતું આંદોલન હવે સત્યાગ્રહ છાવણી સુધી પહોંચ્યું
રાજ્ય પોલીસ કર્મચારીઓ ગ્રેડ-પે મુદ્દે સરકાર સામે લડતનાં મંડાણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અત્યાર સુધી સોશિયલ મિડિયા માધ્યમથી ચાલતું આંદોલન હવે સત્યાગ્રહ છાવણી સુધી પહોંચી ગયું છે. ગઈકાલે પોલીસનો ગ્રેડ-પે વધારાને લઇને હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ માંગ કરી છે. જેણે સચિવાલય ખાતે પોતાની નોકરીની પૂરી કરી પ્રતિબંધિત એરિયામાં ધરણા કર્યા હતા. અને પોલીસ દોડતી થઇ ગઈ હતી. બાદમાં ઉચ્ચ કક્ષાએથી આદેશો મળતા મને કમને પણ ફરજના ભાગરૂપે હાર્દિકની અટકાયત કરી એલસીબી કચેરી લઈ જવાયો હતો. જેનાં પગલે પોલીસના ધાડેધાડાં એલસીબી કચેરી ઉતરી આવ્યા હતા. સ્થિતિ વણસતિ દેખાતાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને એલસીબી કચેરી ખાતે પહોંચી જવા માટે આદેશો પણ વહેતા કરવામાં આવ્યા હતા. જે બાદ હાર્દિકને છોડી મુકવામાં આવ્યો હતો.
પોલીસકર્મીઓને મળતા ગ્રેડ-પે અને પગારની વાત
પોલીસકર્મીઓને મળતા ગ્રેડ-પે અને પગારની જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યમાં મળતો પોલીસનો ગ્રેડ પે 4200 જ્યારે પગાર 9 હજાર 300થી 34 હજાર 800 છે. ગુજરાત રાજ્યમાં મળતો ગ્રેડ પે 1800 અને પગાર 5200થી 20 હજાર 200 છે. પોલીસ કોન્સ્ટેબલનો 2800 ગ્રેડ-પે થાય છે. હેડ કોન્સ્ટેબલનો 3600નો ગ્રેડ-પે થાય છે. ASIનો 4,200 નો ગ્રેડ-પે થાય છે. આ ઉપરાંત, અંગ્રેજોના સમયથી રૂપિયા 20 સાઇકલ એલાઉન્સ પોલીસ કર્મીઓને આપવામાં આવે છે.