નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમણ થી કથળેલી પરિસ્થિતિને જોતાં દેશના સ્વાસ્થ્ય મંત્રીમનસુખ માંડવિયા આજે પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે મીટીંગ કરશે. જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કોવિડ-19 પર સમીક્ષા બેઠક કરી હતી. હવે સોમવારે એટલે કે આજે મનસુખ માંડવિયા કોરોના વાયરસની સ્થિતિ પર પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે બેઠક કરશે. આ રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા દીવ છે.
જિલ્લા કક્ષાએ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા સૂચના
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમિક્રોન ના વધતા કેસને ધ્યાનમાં રાખીને કોરોના પર સ્થિતિની સમીક્ષા કરવા માટે દેશ સાથે બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાને જિલ્લા સ્તરે પર્યાપ્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું. આ સાથે કિશોરોને મિશન મોડમાં રસી લગાવવા અપીલ કરી હતી.
વડાપ્રધાન મોદીના નિવેદન મુજબ, જ્યાં કોરોનાના વધુ કેસો છે, ત્યાં સક્રિયપણે સઘન દેખરેખ રાખવી જોઈએ અને તમામ સંભવિત ટેકનિકલ સપોર્ટ આપવો જોઈએ. તેમણે માસ્કની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે મહામારીના પ્રસારને રોકવા માટે ફિઝિકલ ડિસ્ટન્સ અને માસ્કનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
વડાપ્રધાને કોરાના વાયરસના બદલાતા સ્વરૂપનો ઉલ્લેખ કરતા પરીક્ષણો અને રસીઓ ઉપરાંત ‘જીનોમ સિક્વન્સિંગ’ સહિત અન્ય સંબંધિત બાબતોના સંશોધનની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે હળવા અને લક્ષણ વિનાના સંક્રમણના કેસોમાં હોમ આઇસોલેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ બેઠકમાં વડાપ્રધાને કોવિડ કેસોના સંચાલનની સાથે સાથે નોન-કોવિડ આરોગ્ય સેવાઓ ચાલુ રાખવા માટે પણ આહ્વાન કર્યું અને કહ્યું કે રાજ્ય મુજબના સંજોગો અને તેમના દ્વારા કરવામાં આવી રહેલા શ્રેષ્ઠ પ્રયાસો તથા જાહેર આરોગ્ય વિશે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવવી જોઈએ.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે કોવિડ-19ના નવા સ્વરૂપ ઓમિક્રોનના 552 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,623 થઈ ગઈ છે. સવારે 8 વાગ્યે મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,59,632 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 224 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ દૈનિક કેસ છે.