આજથી IPL : દસ ટીમ વચ્ચે ટી-20ના ટાઇટલ માટે રોચક જંગ

0
7

– પ્રથમ મેચ સાંજે 7-30થી ગુજરાત ટાઇટન્સ V/s ચેન્નાઈ સુપર કિંગ્સ

– સાંજે 7-30થી મેચનો પ્રારંભ હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળ ગુજરાત ટાઇટન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે

આઇપીએલની ૧૬મી સીઝનનો આવતીકાલથી અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એક લાખથી વધુ પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં પ્રારંભ થશે. સાંજે ૭-૩૦થી આ વખતની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ૭૪ મેચો રમાશે અને ફાઇનલ ૨૮ મેના રોજ અમદાવાદમાં જ રમાશે.

આજે અમદાવાદ- ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો છે અને સ્ટેડિયમમાં સાંજે પીચને કવર કરવા ગ્રાઉન્ડ સ્ટાફને ઉતરવું પડયું હતું. આવતીકાલે પણ વરસાદની આગાહી હોઇ આયોજકો અને ચાહકો ચિંતિત છે.

જો કુદરત સાથ આપશે તો ટોસ અગાઉ બોલિવુડ અને સાઉથના કલાકારો દ્વારા એક રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આઇપીએલના રેકોર્ડ પર નજર નાંખીએ તો મુંબઈ ઇન્ડિયન્સ સૌથી વધુ પાંચ વખત, ચેન્નાઈ ચાર વખત, કોલકાતા બે વખત અને રાજસ્થાન, હૈદ્રાબાદ, ડેક્કન, ગુજરાત ટાઇટન્સ ૧-૧ વખત ચેમ્પિયન બન્યા છે.

મુંબઈ એક વખત, ચેન્નાઈ પાંચ વખત, કોલકાતા, રાજસ્થાન, હૈદ્રાબાદ, પંજાબ, દિલ્હી, પુણે ૧-૧ વખત રનર્સ અપ બન્યા છે. બેંગ્લોર ૩ વખત રનર્સ અપ બન્યું છે.

બેંગ્લોર પાસે ગેલ, ડી વીલીયર્સ અને કોહલી જેવા ખેલાડીઓ હતા છતાં તેઓ એક પણ વખત ચેમ્પિયન નથી બન્યા તેવી જ રીતે પંજાબ અને દિલ્હી પણ તમામ આઇપીએલમાં ભાગ લેવા છતાં હજુ સુધી એકપણ વખત ટાઇટલ નથી જીતી શક્યા.

દસ ટીમો મેદાનમાં

આઇપીએલમાં આ વખતે દસ ટીમ ભાગ લઈ રહી છે જેમાં ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટસનો સમાવેશ થાય છે.

હોમ- અવે ફોર્મેટ

કોરોનાને લીધે ‘હોમ એન્ડ અવે’ ફોરમેટ શક્ય નહતું પણ આ વર્ષથી તે ફરી શરૂ થતા પ્રત્યેક ટીમ તેની એક મેચ હોમ ગ્રાઉન્ડમાં અને બીજી હરિફના ગ્રાઉન્ડ પર રમશે.

12 શહેરોમાં આયોજન

ગયા વર્ષે તમામ મેચો મુંબઈ, નવી મુંબઈ અને પુણેમાં રમાઈ હતી. આ વખતે ૧૨ શહેરોમાં આઇપીએલ પણ યોજાશે.

આસામના બરસાવરા સ્ટેડિયમમાં સૌ પ્રથમ આઇપીએલની મેચો રમાશે તેઓ રાજસ્થાન રોયલ્સની કેટલીક મેચો યોજશે. ધરમશાળામાં દસ વર્ષ પછી ફરી આઇપીએલ મેચો ફાળવવામાં આવી છે.

નવા નિયમોની એન્ટ્રી

આ વખતની આઇપીએલ નવા નિયમો સાથે રમાશે. કેપ્ટન તેની ટીમની ટોસપછી જાહેરાત કરશે.

ચાલુ મેચે એક ખેલાડી કે જે જાહેર કરેલી પ્લેઇંગ ઇલેવનમાં નહિ હોય તેને જરૂર પડયે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતારાશે. આ ઉપરાંત ટીમ વાઇડ અને નોબોલનો પણ ‘ડીઆરએસ’ એટલે કે રીવ્યુ માંગી શકશે. ફિલ્ડર કે વિકેટકીપર નિયમો ભંગ કરતી કોઈ હલનચલન કરશે તો પાંચ રનની  પેનલ્ટી થશે.

કરનને રૂ. 18.50 કરોડ

આઇપીએલ ખેલાડીઓની હરાજી ગત તા ૧૩ ડિસેમ્બરે થઈ હતી. ઇંગ્લેન્ડના સામ કરનને પંજાબને ૧૮.૫૦ કરોડમાં ખરીદ્યો હતો જે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

પ્રત્યેક સીઝનના ચેમ્પિયન

સિઝનવિજેતા
૨૦૦૮રાજસ્થાન
૨૦૦૯ડેક્કન
૨૦૧૦ચેન્નાઈ
૨૦૧૧ચેન્નાઈ
૨૦૧૨કોલકાતા
૨૦૧૩મુંબઈ
૨૦૧૪કોલકાતા
૨૦૧૫મુંબઈ
૨૦૧૬હૈદ્રાબાદ
૨૦૧૭મુંબઈ
૨૦૧૮ચેન્નાઈ
૨૦૧૯મુંબઈ
૨૦૨૦મુંબઈ
૨૦૨૧ચેન્નાઈ
૨૦૨૨ગુજરાત