ઈતિહાસ ! દેશનો પ્રથમ રેલવે કેબલ બ્રિજ તૈયાર, કાશ્મીર સુધી રેલવે પહોંચાડવાની દિશામાં મોટું પગલું

0
10

આ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલવે લિન્ક પ્રોજેક્ટના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગોમાંથી એક છે

રેકોર્ડ 11 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી

કાશ્મીર સુધી રેલવે પહોંચાડવાની દિશામાં વધુ એક મોટું પગલું ભરતાં ભારતીય રેલવેએ ગુરુવારે રિયાસી જિલ્લામાં તૈયાર થઈ રહેલા દેશના પ્રથમ કેબલ આધારિત રેલવેના તમામ 96 કેબલને યોગ્ય રીતે સ્થાપિત કરીને ઈતિહાસ રચી દીધો છે. તેની સાથે જ રેલવે કાશ્મીર ખીણને બાકીના રેલવે નેટવર્ક સાથે જોડવાની વધુ નજીક પહોંચી ગયું છે.

આ વર્ષના અંત સુધી કાશ્મીર સુધી રેલવે પહોંચાડવાનું કેન્દ્રનું લક્ષ્ય 

અંજી ખડ્ડ પર બનેલો આ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલવે લિન્ક પ્રોજેક્ટના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગોમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આ વર્ષના અંત સુધી કે આગામી વર્ષની શરૂઆતમાં કાશ્મીર સુધી રેલવે પહોંચાડવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે.  તમામ ટેક્નિકલ અવરોધો છતાં 11 મહિનાના રેકોર્ડ સમયમાં ભારતીય રેલવેએ જમ્મુ વિભાગના રિયાસી વિસ્તારમાં કેબલ બ્રિજના તમામ 96 કેબલ જોડવાની સાથે 47 સેગમેન્ટમાંથી કેબલ સપોર્ટવાળા 44 સેગમેન્ટ લોન્ચ કરી દીધા છે. બાકીના 3 સેગમેન્ટનું કામ ચાલુ છે. 

ક્યાં બન્યો છે આ બ્રિજ 

સુપર સ્ટ્રક્ચરનું લોન્ચિંગ પણ આ વર્ષના મે મહિનાના અંત સુધી પૂર્ણ કરી લેવાશે. આ પુલ વિષમ ભૌગોલિક પરિસ્થિતિવાળા હિમાલયના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં તૈયાર કરાઈ રહ્યો છે. અંજી ખડ્ડ બ્રિજ એન્જિનિયરિંગનું એક શાનદાર ઉદાહરણ છે જેને કટડા અને રિયાસીને જોડવા માટે તૈયાર કરાઈ રહ્યો છે. આ બ્રિજ ચિનાબ નદીની સહાયક અંજી નદીના ઊંડા ખાડાને ઓળંગવામાં મદદરૂપ થશે. 725 મીટર લાંબો અને નદીના તળીયાથી 331 મીટરની ઊંચાઈએ આવેલો આ બ્રિજ સુરંગ ટી-2 અને રિયાસી છેડે સુરંગ ટી-3ને જોડે છે.