કમિન્સ-લાયને બાજી પલ્ટી : ઓસ્ટ્રેલિયાનો ઈંગ્લેન્ડ સામેની પ્રથમ એશિઝ ટેસ્ટમાં બે વિકેટથી દિલધડક વિજય

0
2

– કમિન્સ (44*) અને લાયન (16*) વચ્ચે નવમી વિકેટમાં 12 ઓવરમાં 55 રનની અણનમ વિજયી ભાગીદારી

ઓસ્ટ્રેલિયાએ આઠમી વિકેટે 227 રને ગુમાવી હતી, કમિન્સ-લાયને બાજી પલ્ટી

કમિન્સ (44*) અને લાયન (16*) વચ્ચે નવમી વિકેટમાં 12 ઓવરમાં 55 રનની અણનમ ભાગીદારી નોંધાવતા ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ એશિઝ ટેસ્ટમાં બે વિકેટથી દિલધડક વિજય મેળવ્યો હતો. જીતવા માટેના 281ના ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ આઠમી વિકેટ 227 રને ગુમાવી ત્યારે તેમની હાર નક્કી લાગતી હતી. જોકે કેપ્ટન કમિન્સ અને લાયને ધીરજપૂર્વક બેટિંગ કરતાં ઈંગ્લેન્ડના હાથમાંથી જીતનો કોળિયો ઝુંટવી લીધો હતો. કમિન્સે રોબિન્સનની બોલિંગમાં ચોગ્ગો ફટકારતાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની એશિઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી.

ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ 8 વિકેટે 393 રને ડિકલેર કરી હતી. જે પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 386નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 273 રનમાં સમેટાતા ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 281ના ટાર્ગેટ મળ્યો હતો. પાંચમા અને આખરી દિવસે ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઈનિંગને 107/3 થી આગળ ધપાવી હતી. જોકે તબક્કવાર તેમણે વિકેટ ગુમાવી હતી. 

નાઈટવોચમેન બોલેન્ડ (20), હેડ (16) અને ગ્રીન (28) રને આઉટ થયા હતા. આ તબક્કે સ્કોર 192/6 હતો. જે પછી ખ્વાજા અને કેરી પર મદાર હતો. સ્ટોક્સે ખ્વાજાની 65 રનની સંઘર્ષમય ઈનિંગનો અંત આણતા ઈંગ્લેન્ડનો જીતનો જુસ્સો બુલંદ બનાવ્યો હતો. રુટે કેરી (20)ને કોટ એન્ડ બોલ્ડ કર્યો ત્યારે ઈંગ્લેન્ડની જીત હાથવેંતમાં લાગતી હતી. જોકે કમિન્સ અને લાયને ઈંગ્લેન્ડની આશા પર ઠંડુ પાણી રેડતા ઓસ્ટ્રેલિયાને નાટકીય જીત અપાવી હતી.