ટાઇટેનિક જહાજના અવશેષો જોવા ગયેલું ટાઇટન પાંચ પ્રવાસીઓ સાથે મહાસાગરમાં લાપતા

0
2

– 96 કલાકનો ઓક્સિજન સપ્લાય ધરાવતું સબમર્સિબલ રવિવારે રાત્રે પરત આવવાનું હતું

– ઓસનગેટ કંપની વ્યક્તિ દીઠ અઢી લાખ ડોલર વસૂલી દરિયાના તળિયે ટાઇટેનિકનો ભંગાર જોવા લઇ જાય છે 

એક સદી અગાઉ દરિયામાં જળસમાધિ લેનારી વિખ્યાત ઓસન લાઇનર ટાઇટેનિકના દરિયાના તળિયે આવેલા અવશેષો જોવા માટે પાંચ જણા સાથે રવિવારે સવારે રવાના થયેલા ટાઇટન નામના સબમર્સિબલને બચાવવા માટે બચાવકારો સમય સાથે હોડમાં ઉતર્યા છે.ઓસનગેટ એક્સિપિડિશન્સ કંપનીની  કાર્બન ફાઇબરની બનેલી ટાઇટન નામની આ સબમર્સિબલમાં પાઇલટ, વિખ્યાત બ્રિટિશ સાહસવીર, પાકિસ્તાની બિઝનેસ પરિવારના બે સભ્યો તથા અન્ય એક વ્યક્તિ એમ કુલ પાંચ જણા સવાર થયા હતા. 

ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ખોવાઇ ગયેલા સબમર્સિબલ ટાઇટનને શોધવા માટે કેનેડા અને યુએસ દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઓસનગેટના સલાહકાર ડેવિડ કોકકેનોને જણાવ્યું હતું કે રવિવારે સવારે છ વાગ્યે આ ટાઇટનને દરિયામાં ઉતારવામાં આવી ત્યારે તેમાં ૯૬ કલાક ચાલે તેટલો ઓક્સિજન હતો. રવિવારે સાંજે તે ન્યુ ફાઉન્ડલેન્ડમાં  સેંટ જ્હોન્સની દક્ષિણે ૭૦૦ કિલોમીટરના અંતરે તે પાછી ફરવાની હતી. બચાવ કામગીરી ચલાવી રહેલા યુએસ કોસ્ટ ગાર્ડના કમાન્ડર જ્હોન માઉગેરે જણાવ્યું હતું કે આ અંતરિયાળ ઇલાકો છે અને ત્યાં બચાવ કામગીરી કરવી કપરી બની રહે છે. અમે  સબમર્સિબલને શોધવા અને તેમાં સવાર પાંચે જણાને બચાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. સવારે કેનેડાના બોઇંગ પી-૮ પોસિડોન રિકોનેન્સન્સ વિમાનોએ મહાસાગરની સપાટી પર તેમની શોધ શરૂ કરી હતી યુએસના બે લોકહીડ સી-૧૩૦ હરક્યુલસ વિમાનો દ્વારા પણ તેમની શોધ કરવામાં આવી રહી છે. 

કેનેડિયન રિસર્ચ આઇસબ્રેકર પોલર પ્રિન્સ ટાઇટનને સપોર્ટ કરી રહ્યું હતું તે આખી રાત સપાટી પર તેની શોધ ચલાવશે. ટાઇટનને દરિયામાં ઉતારવામાં આવ્યું તે પછી તે એક કલાક અને ૪૫ મિનિટમાં પોલર પ્રિન્સ સાથે તેનો સંપર્ક ગુમાવી ચૂક્યુ હતું. 

ટાઇટનના પ્રવાસીઓમાં બ્રિટિશ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગનો સમાવેશ થાય છે. ત્રણ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે બોલે છે તે હાર્ડિંગ અબજોપતિ સાહસવીર છે. દુબઇમાં રહેતાં હાર્ડિંગ એક્શન એવિએશન કંપનીના ચેરમેન છે. તેઓ બ્લુ ઓરિજિનના ન્યુ શેફર્ડ રોકેટમાં અવકાશની સફરે પણ ગયા હતા. તેમની સાથે પાકિસ્તાની શહેઝાદા દાઉદ અને તેમનો પુત્ર સુલેમાન છે. દાઉદ પરિવારની કંપનીઓના  પાકિસ્તાનમાં કૃષિ, ઉદ્યોગ અને આરોગ્ય ક્ષેત્રમાં  મોટા હિતો છે. શહેઝાદા દાઉદ કેલિફોર્નિયાની સેટી ઇન્સ્ટિટયુટના બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં બેસે છ.સેટી પરગ્રહ પર જીવનની શોધ કરતી સંસ્થા છે. 

૧૯૧૨માં હિમશીલા સાથે ભટકાઇને ૭૦૦ પ્રવાસીઓ સાથે જળસમાધિ લેનારા ટાઇટેનિક જહાજના ભંગારનો અભ્યાસ કરવા માટે ઓસનગેટ કંપની દ્વારા આ ત્રીજી સહેલ ગોઠવવામાં  આવી હતી. ૧૯૮૫માં ટાઇટેનિક જહાજના ભંગારની શોધ થઇ તે પછી તેનો ધાતુ હજમ કરી જતાં બેક્ટેરિયા દ્વારા નાશ થઇ રહ્યો છે. 

દાયકાઓમાં આ જહાજ નામશેષ થઇ જવાની આગાહી કરવામાં આવી હોઇ લોકો તેની ઝલક મેળવવા મોટી ફી ચૂકવી આ સહેલ કરવા જાય છે.  ૨૦૨૧માં આ સહેલ શરૂ થઇ ત્યારે તેની ફી એકથી દોઢ લાખ ડોલર હતી પણ હવે ઓસનગેટની વેબસાઇટ અનુસાર ૨૦૨૩ની સહેલ માટે અઢી લાખ ડોલરની ફી વસૂલ કરવામાં આવી હતી.