છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના અરનપુરમાં નક્સલીઓએ મંગળવારે મીડિયાકર્મીઓ પર હુમલો કરી દીધો. ગામના વિકાસકાર્યોનું રિપોર્ટિંગ કરી રહેલા દૂરદર્શનના કેમેરામેનને નજીકથી ગોળી મારી દીધી. તે પછી નક્સલીઓની પોલીસ સાથે અથડામણ થઈ ગઈ. તેમાં 2 જવાન શહીદ થઈ ગયા. ઘટના વિશે જણાવતા દંતેવાડાના એસપી અભિષેક પલ્લવ ભાવુક બની ગયા. તેમણે કહ્યું કે શહીદોને અને 30 અન્ય જવાનોને હું શાબાશી આપવા માંગીશ. તેમના કારણે જ 300 નક્સલીઓ ભાગવા માટે મજબૂર થયા.
અરનપુર પોલીસ સ્ટેશનમાંથી સવારે લગભગ 6 વાગે જવાન સર્ચિંગ માટે નીકળ્યા હતા. દૂરદર્શનના કેમેરામેન અને દિલ્હીથી આવેલા બે રિપોર્ટર પણ તેમની સાથે હતા. સવારે લગભગ 11 વાગે જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટર દૂર નીલાવાયાના જંગલોમાં નક્સલીઓએ સુરક્ષાદળોની ટીમને ઘેરી લીધી અને ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગમાં એએસઆઇ રૂદ્રપ્રતાપ અને સહાયક કોન્સ્ટેબલ મંગલરામ શહીદ થઈ ગયા. કેમેરામેન અચ્યુતાનંદજ સાહુનું પણ મોત થઈ ગયું.
આંસૂ ન રોકી શક્યા એસપી
દંતેવાડાના એસપી અભિષેક પલ્લવે કહ્યું, “મીડિયાકર્મી લોકોને એવું પૂછી રહ્યા હતા કે વિકાસ અને પોલીસ એડમિનિસ્ટ્રેસન વિશે તેમનો શું અભિપ્રાય છે? ગામવાળાઓની નક્સલીઓ છેલ્લા 10 દિવસથી ધોલાઈ કરી રહ્યા હતા. આ જ ગૂંચવણમાં નક્સલીઓએ મીડિયાકર્મીઓ પર હુમલો કરી દીધો. 2 રિપોર્ટર્સ 150 મીટર સુધી ઢસડાઈને ગયા. નક્સલીઓએ તેમને પાસે આવીને મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મારા એક સહાયક કોન્સ્ટેબલે કૂદીને તેમને ધક્કો માર્યો.” આટલું કહેતા એસપી ભાવુક થઈ ગયા. તેમણે આગળ કહ્યું, “ગોળીબારમાં તે શહીદ થઈ ગયો. હું તેમને શાબાશી આપું છું. અમારા 30 જવાન હતા જેમણે 300 નક્સલીઓને ભાગવા પર મજબૂર કર્યા. એવું ન હોત તો 30 જવાન શહીદ થઈ શકતા હતા.”
હેલિકોપ્ટર અને સુરક્ષાદળો ઘટનાસ્થળે રવાના
દંતેવાડાના એડિશનલ એસપી ગોરખનાથ બઘેલે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે કેમેરામેન ઘણી ઘાયલ અવસ્થામાં હતો. તેને પ્રાથમિક સારવાર માટે જવાનો લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન તેણે દમ તોડી દીધો. તેમના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળ માટે હેલિકોપ્ટર અને સુરક્ષાદળોને કવાના કરવામાં આવ્યા છે. અરનપુરમાં થયેલી આ ઘટનામાં અન્ય સ્થાનિક લોકો પણ ઘાયલ થયા હોવાના સમાચાર છે.
સુરક્ષાદળોની ગતિવિધિઓના કવરેજ માટે પહોંચી હતી દૂરદર્શનની ટીમ
જણાવવામાં આવી રહ્યું છે કે હુમલો તે સમયે થયો જ્યારે દિલ્હી દૂરદર્શનની એક ટીમ જંગલની અંદર સુરક્ષાદળોની સાથે તેમની ગતિવિધિઓનું કવરેજ કરવા માટે પહોંચી હતી. નક્સલીઓએ આ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની અપીલ કરી છે. તેઓ પત્રકારો સહિત તમામ રાજનૈતિક દળોના કાર્યકર્તાઓને પોતાના નિશાન બનાવી રહ્યા છે.