છેલ્લાં હજારો વર્ષોમાં જુલાઈ સૌથી ગરમ મહિનો : નાસાનો રિપોર્ટ

0
3

નાસાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જુલાઈ મહિનો છેલ્લાં હજારો વર્ષોમાં સૌથી ગરમ મહિનો હશે. અત્યાર સુધી જુલાઈ માસમાં દૈનિક તાપમાનના દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યાં હોવાથી ચિંતા વધી હતી. હજુ તો જૂન માસમાં જ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો હતો.

નાસાના ક્લાઈમેટોલોજિસ્ટ ગેવિન શ્મિટે સેટેલાઈટ ડેટાનો અભ્યાસ કરીને કહ્યું હતું કે જુલાઈ મહિનો મોટાભાગે દુનિયાનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો બની રહેશે. દરરોજ ગરમીના જે રેકોર્ડ બ્રેક થઈ રહ્યાં છે તેના પરથી એવું લાગે છે કે જુલાઈ મહિનો સેંકડો વર્ષમાં સૌથી ગરમ મહિના તરીકે નોંધાઈ જશે.

અગાઉ નાસાએ જૂન-૨૦૨૩ને અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો જાહેર કર્યો હતો. જૂન-માસ દરમિયાન દુનિયાભરમાં સરેરાશ તાપમાન ધારણાં કરતાં ઊંચું રહ્યું હતું. એક જ મહિનામાં એ રેકોર્ડ બ્રેક થઈ જતાં ચિંતા વધી છે. નાસાના કહેવા પ્રમાણે તાપમાનનો પારો ધારણાં કરતાં વધુ ઝડપે વધી રહ્યો છે.અમેરિકા-યુરોપ અને ચીન-જાપાનમાં તાપમાનના બધા જ જૂના રેકોર્ડ્સ તૂટયા છે. જે રીતે ૨૦૨૩ના છ-સાત મહિનામાં ગરમી વધી છે, તે જોતાં સેંકડો વર્ષોમાં ૨૦૨૩નું વર્ષ સૌથી ગરમ વર્ષ બને એવી શક્યતા નકારી શકાતી નથી. 

નાસાના વિજ્ઞાનીના કહેવા પ્રમાણે આ વર્ષે અલ નીનોના કારણે ગરમી વધી છે એ ખરું, પરંતુ એ સિવાયના પરિબળો પણ એમાં ભાગ ભજવે છે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન સતત વધ્યું છે અને એમાં બિલકુલ ઘટાડો આવતો નથી. તેના કારણે તાપમાનનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે.