રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે તુર્કીમાં ચાલી રહેલી એક સમિટમાં રશિયા અને યુક્રેનના રાજદૂતો વચ્ચે મારપીટ થઇ હતી. યુક્રેનના રાજદૂતના હાથમાંથી રશિયન રાજદૂતે ઝંડો ઝૂંટવી લીધો હતો, જે બાદ બન્ને વચ્ચે જપાજપી થઇ હતી અને મામલો મારપીટ સુધી પહોંચી ગયો હતો.
તુર્કીમાં બ્લેક સી ઇકોનોમિક કોઓપરેશન સંસદીય સભા (પીએબીએસઇસી)માં રશિયા અને તુર્કીના રાજદૂતો પણ સામેલ થયા હતા. બન્ને દેશોના પ્રતિનિધિઓ અન્ય દેશોના પ્રતિનિધિઓ સાથે ઉભા હતા. એવામાં યુક્રેનના પ્રતિનિધિ અને સાંસદ ઓલેકસેન્ડ્ર મેરિકોવસ્કી પોતાના હાથમાં યુક્રેનનો ઝંડો પકડીને ઉભા હતા. એવામાં ત્યાં અચાનક આવેલા રશિયાના અધિકારીએ અચાનક યુક્રેનનો ઝંડો છીનવી લીધો હતો અને તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે યુક્રેનના સાંસદ ઓલેકસેન્ડ્રએ પોતાના દેશ યુક્રેનનો ઝંડો પાછો લઇ લીધો હતો અને તેને તોડવાનો પ્રયાસ કરનારા રશિયાના પ્રતિનિધિને ફટકાર્યા હતા. આ સમગ્ર વિવાદનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. સામાન્ય રીતે બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે અંતિમ ઉપાય દેશોના ડિપ્લોમેન્ટ્સ દ્વારા વાતચીત કરીને રસ્તો કાઢવાનો હોય છે. જોકે અહીંયા તો રશિયા અને યુક્રેનના ડિપ્લોમેટ્સ જ ઝઘડી પડયા હતા.