દેવાયત ખવડના વકીલે કહ્યું,પોલીસે કરેલી FIR ખોટી છે,CCTVમાં હૂમલો કરનારનું મોઢું દેખાતું નથી

0
9

વિવાદમાં ફસાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. દેવાયતના હૂમલાનો ભોગ બનનાર પરિવારે છેક વડાપ્રધાન સુધી ફરિયાદ કરતાં દેવાયત રાજકોટ પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ બીજી બાજુ તેના વકીલે નિવેદન આપ્યું હતું કે, પોલીસે કરેલી એફઆઈઆર ખોટી છે. જ્યારે એસીપી ભાર્ગવ પંડ્યાએ પત્રકારોને જણાવ્યું હતું કે, દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરી કાયદેસરના પોલીસ રીમાન્ડ લેવામાં આવશે અને દેવાયત ખવડ લોકસાહિત્યકાર છે છતાં તેની સાથે આરોપીની જેમ વર્તવામાં આવશે. 

એક આરોપીની જેમ દેવાયત સામે વર્તવામાં આવશેઃ ACP
હૂમલાના 10 દિવસ બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ હાજર થયા બાદ રાજકોટ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં એસીપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે મયુરસિંહ રાણા પર કરેલા હૂમલાના કેસમાં  દેવાયત ખવડે સરેન્ડર કર્યું છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારની શોધખોળ હાલ ચાલી રહી છે અને દેવાયત ખવડ સાથે રહેલા અન્ય બે વ્યક્તિની પણ શોધખોળ ચાલુ છે. તેમજ દેવાયત ખવડને આશરો આપનાર સામે પણ પગલા લેવામાં આવશે. દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરી કાયદેસરના પોલીસ રીમાન્ડ લેવામાં આવશે અને લોકસાહિત્યકાર છે છતાં તેની સાથે આરોપી જેવી જ ટ્રીટમેન્ડ કરવામાં આવશે.

પોલીસે એફઆઈઆર ખોટી નોંધી છેઃ વકીલ
દેવાયત ખવડના વકીલે પત્રકારોને કહ્યું હતું કે, પોલીસે 307 હેઠળ ગુનો નોંધ્યો છે પરંતુ પોલીસની એફઆઈઆર જ ખોટી છે.  CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે ક્યાંય માર્યું નથી. સાતથી આઠ વખત માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થઈ શકે નહીં. 

અન્ય શખ્શો હજી પોલીસ પકડથી દૂર
મયુરસિંહ રાણા પર હૂમલો કરવામાં આવ્યો તે સમયે દેવાયત ખવડ સાથે અન્ય શખ્સો પણ હતાં. દેવાયત હૂમલો કર્યા બાદ 10 દિવસ ફરાર હતો પરંતુ આખરે તે પોલીસ સમક્ષ હાજર થયો છે. બીજી બાજુ હુમલામાં સંડોવણી ધરાવનાર અન્ય શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર છે.પોલીસે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારની શોધખોળ ચાલુ છે.