પરમાણુ યુદ્ધની તૈયારીઓ થઇ રહી છે
આ યોજના યુક્રેનને ડિપ્લેટેડ યુરેનિયમ વાળા બોમ્બ આપવાની બ્રિટનની યોજનાના જવાબમાં કરી છે : પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શનિવારે પોતાના પાડોશી દેશ બેલારૂસમાં પરમાણુ શસ્ત્રો ગોઠવવાની પોતાની યોજના જાહેર કરી છે. આ ઘોષણાં યુક્રેનમાં સૈન્ય સહયોગ વધારી રહેલા પશ્ચિમના દેશો માટે ચેતવણી રૂપે માનવામાં આવે છે. અહીં (બેલારૂસમાં) લાંબા અંતરનાં મિસાઇલ્સને બદલે ટૂંકાં અંતરનાં મિસાઇલ્સમાં નાના પરમાણુ બોમ્બ ગોઠવવાની યોજના છે. યુક્રેનને ડીપ્લેટેડ યુરેનિયમવાળા બોમ્બ આપવાની બ્રિટનની યોજનાના જવાબમાં કરવામાં આવી છે. તેમ પુતિનનું કહેવું છે.
પુતિનનું વલણ વચમાં તો નરમ થયું હતું, પરંતુ બ્રિટનના ડીપ્લેટેડ યુરેનિયમની વાત જાણ્યા પછી તેમનું વલણ કઠોર થઇ ગયું છે.
બીજી વાત તે પણ છે કે, બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાંડર લુકાશે કો નાટો દેશોથી ઘેરાઈ ગયા છે. તેથી તેઓ ઘણા સમયથી તે શસ્ત્રોની માગણી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પરમાણુ શસ્ત્રો જાળવવા માટેના ભંડારો જુલાઈ મહિનામાં પૂરા થઈ જશે.
તે સર્વવિદિત છે કે યુક્રેનમાં સેના મોકલવા માટે રશિયા બેલારૂસનો ઉપયોગ કરી રહ્યું છે. કીવ ઉપરનાં આક્રમણને લીધે મોસ્કો અને મિન્સ્કસ (બેલારૂસનાં પાટનગર) વચ્ચે સંબંધો મજબૂત થઇ રહ્યા છે.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન યુક્રેનમાં આશરે ૧૦ લોકોનાં મૃત્યુ થયાં છે, ૨૦ લોકો ઘાયલ થયા છે. રશિયાના એક અધિકારીએ ચેતવણી આપી છે કે યુક્રેન આગામી સપ્તાહોમાં પ્રચંડ બળનું આક્રમણ કરવા તૈયારી કરી રહ્યું છે. પરંતુ રશિયન સેના પણ તે માટે તૈયાર છે.
યુક્રેનના પૂર્વ વિસ્તારના દોનોત્સહ પ્રાંતનાં કોસ્તિયંતિનિવાકા સ્થિત એક સહાયતા ક્રેન્દ્ર પર રશિયાનું મિસાઇલ પડતાં પાંચનાં મોત થયાં છે. યુક્રેને ગત વર્ષમાં જ આવાં કેન્દ્રો બનાવ્યાં છે જ્યાં લોકો આશ્રય લઇ શકે પોતાના મોબાઈલ પણ ચાર્જ કરી શકે અને ભોજન પણ પ્રાપ્ત કરી શકે.