હાલ પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં દેશભરમાંથી ખેડૂતો અને રાજકીય આગેવાનોને બોલાવી મેગા શો કરવાના પીએમ મોદીના વિઝન પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું છે.
દેશભરના ખેડૂતોની હાજરીમાં કરવા માગે છે મેગા શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક ડ્રીમ પ્રોજેક્ટનો પાયો નાંખ્યો હતો.જેમાં સરદાર સરોવર બંધ નજીક સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે છે, ત્યારે આગામી 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અનાવરણનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા પીએમ મોદી એક મેગા શો કરવાની તૈયારીઓમાં છે. જેમાં સરદારની પ્રતિમા બનાવવા માટે ઓજારો આપનારા ગુજરાત સહિત દેશભરના ખેડૂતો અને રાજકીય આગેવાનોને બોલાવીને કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવા માગે છે.
પરપ્રાંતીયો પરના હુમલાઓની કાર્યક્રમ પર થઈ શકે છે અસર
પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના ઠાકોર અને પરપ્રાંતીયો વચ્ચે ઊભા થયેલા વૈમનસ્યને કારણે છેલ્લા ચાર દિવસથી હજારો પરપ્રાંતીયો ભયના ઓથાર હેઠળ ગુજરાત છોડી વતન પાછા ફરી રહ્યા છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ ગંભીર પરિસ્થિતિની સીધી અસર નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આનાવરણ કાર્યક્રમ પર પડે તેમ છે.જેથી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેલિફોન કરીને પરપ્રાંતીયો પરના હુમલા બંધ કરાવવા માટેની સ્પષ્ટ સૂચના આપી હતી.
શું કાર્યક્રમમાં ઉત્તર ભારતના મુખ્યમંત્રીઓ આવશે
31 ઓક્ટોબરના રોજ મેગા શો માટે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ બીજા રાજ્યના ટોચના રાજકીય નેતાઓ અને આગેવાનોને આમંત્રણ આપવા જવાના છે, ત્યારે ગુજરાતના આ આમંત્રણને બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ કે આગેવાનો સ્વીકાર છે કે કેમ? તે પણ સવા કરોડનો સવાલ છે. આમ ગુજરાતમાં હાલ પરપ્રાંતીયો પરના હુમલાને કારણે નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ડ્રીમ પ્રોજેક્ટના અનાવરણ પર પાણી ફેરવી નાખી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.