ભારતીય ટીમે રચ્યો ‘ગોલ્ડન’ ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 42 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ

0
6

ભારતે છેલ્લે નેધરલેન્ડ્સમાં યોજાયેલી 2019 તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રિકર્વ કેટેગરીમાં મેડલ જીત્યો હતો

અંડર-18 વર્લ્ડ ચેમ્પિયન બનેલી 17 વર્ષની અદિતિ આ ટીમની સૌથી યુવા સભ્ય છે

જર્મનીની રાજધાની બર્લિનમાં ચાલી રહેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતની ટીમે ઈતિહાસ રચ્યો હતો. જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પરનીત કૌરની ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે મેક્સિકોને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો અને ભારત માટે 42 વર્ષના દુષ્કાળનો અંત કર્યો હતો. આ જીતની સાથે જ ભારતે આ વર્લ્ડ કપમાં મેડલનું ખાતું ખોલ્યું હતું. વર્ષ 1981માં પુંટા અલા (ઇટાલી) ખાતે તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપની શરૂઆત બાદ ભારતે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે છેલ્લે નેધરલેન્ડ્સમાં યોજાયેલી 2019 તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રિકર્વ કેટેગરીમાં મેડલ જીત્યો હતો. તરુણદીપ રાય, અતનુ દાસ અને પ્રવીણ જાધવની પુરુષ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતીય મહિલા ટીમે ટોચની ક્રમાંકિત મેક્સિકોને એકતરફી ફાઇનલમાં 235-229થી હરાવી વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે આ પહેલા સેમિફાઇનલમાં કોલંબિયાને અને ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપૈને હરાવ્યું હતું. અગાઉ ભારત વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપના રિકર્વ કેટેગરીમાં ચાર વખત અને નોન-ઓલિમ્પિક કમ્પાઉન્ડ કેટેગરીમાં પાંચ વખત ફાઇનલમાં હારી ગયું હતું. આ ઐતિહાસિક જીત બાદ ટીમ મેમ્બર જ્યોતિએ કહ્યું, અમે ઘણા સિલ્વર મેડલ જીત્યા હતા અને ગઈ કાલે અમે વિચાર્યું હતું કે હવે અમે ગોલ્ડ જીતીશું. આ એક શરૂઆત છે, અમે વધુ મેડલ જીતીશું.

અંડર-18 વર્લ્ડ ચેમ્પિયન અદિતિ ટીમની સૌથી યુવા સભ્ય

હાલમાં જ અંડર-18 વર્લ્ડ ચેમ્પિયન બનેલી 17 વર્ષની અદિતિ આ ટીમની સૌથી યુવા સભ્ય છે. આ જીત બાદ તેણે કહ્યું કે દેશ માટે પહેલો મેડલ જીતવો અને ભારતીય ધ્વજ લહેરાતો જોવા એ ખાસ ક્ષણ છે. એવા સમયે જ્યારે ભારતીય રિકર્વ તીરંદાજોનો ગ્રાફ ઘટી રહ્યો છે ત્યારે નોન ઓલિમ્પિક કમ્પાઉન્ડ ઈવેન્ટમાં આ જીત ટીમનું મનોબળ વધારશે. આ ટુર્નામેન્ટમાં ભારતના તમામ રિકર્વ તીરંદાજો મેડલની રેસમાંથી બહાર થઈ ગયા છે. રિકર્વ ઇવેન્ટમાં ભારતનો પડકાર ગુરુવારે ધીરજ બોમ્મદેવરા અને સિમરનજીત કૌરની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બહાર થતાંની સાથે સમાપ્ત થઈ ગયો છે.

વિશ્વ ચેમ્પિયનશિપમાં જ્યોતિનો 7મો મેડલ

મેક્સિકો સામેની ફાઇનલમાં ત્રણેય ભારતીય ખેલાડીઓએ પ્રથમ ત્રણ રાઉન્ડમાં 60માં 59-59નો સ્કોર કર્યો હતો. આ સાથે ભારતે 177-172ની લીડ મેળવી લીધી હતી. ભારતે ચોથા રાઉન્ડમાં 58ના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી. વિશ્વ ચેમ્પિયનશિપમાં જ્યોતિનો આ કુલ સાતમો મેડલ છે. આ ગોલ્ડ પહેલા તેણે ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જ્યોતિ, અદિતિ અને પરનીત વ્યક્તિગત ઈવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ મેડલની દાવેદારીમાં છે. જ્યારે પરનીત છેલ્લા આઠ તબક્કામાં જ્યોતિનો સામનો કરશે, જ્યારે અદિતિ નેધરલેન્ડની સન્ને ડી લાટનો સામનો કરશે.