ભારતીય દૂતાવાસ સમક્ષ કરેલા દેખાવોમાં કટ્ટરપંથીઓ માંડ માંડ 30થી 40 દેખાવકારોને સાથે જોડી શક્યા

0
29

લંડનમાં ગઇકાલે (શનિવારે) આશરે ૩૦-૪૦ ખાલીસ્તાનવાદીઓ ભારતીય દૂતાવાસ સમક્ષ એકત્રિત થયા અને દેખાવો યોજ્યા હતા. આ પછી ઇંડીયન હાઈકમિશનના બિલ્ડીંગની સલામતી વધારવામાં આવી હતી. આના પગલે વૉશિંગ્ટન ડીસીમાં પણ ભારતીય દૂતાવાસની સલામતી વધારવામાં આવી છે. વાસ્તવમાં ખાલીસ્તાની કટ્ટરપંથીઓએ સાન-ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ઉપર હુમલો કરી આગ લગાડી દીધી હતી. તે પછી ત્યાં પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાય દિવસોથી ભારતીય દૂતાવાસો અને ઇંડીયન હાઈકમિશનની ઓફીસો ઉપર ખાલીસ્તાનીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે.

લંડનમાં ગઇકાલે થયેલા ખાલીસ્તાનીઓના દેખાવોમાં માંડ ૩૦થી ૪૦ શિખો ઉપસ્થિત હતા તેમ લંડનના જ મીડિયા રીપોટર્સ જણાવે છે. તેમાં ભારતીય હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને બર્મિંગહામ સ્થિત ભારતના વાણિજ્ય દૂત (ઇકોનોમિક કાઉન્સિલ) ડો.શશાંક વિક્રમની તસર્વીરો પણ પ્રદર્શિત કરી તેની નીચે વિવાદાસ્પદ લખાણો પણ લખવામાં આવ્યા હતા.

વાસ્તવમાં ખાલીસ્તાની-ટાઇગર્સ ફોર્સના નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે તે બંનેને ખાલીસ્તાનીઓ દોષિત ગણે છે. વાસ્તવમાં નિજ્જર ભારતમાં ‘મોસ્ટ વોન્ટેડ’ ઠરાવાયો હતો અને તેને ભારતમાં આતંકવાદ ફેલાવવા માટેનો સૂત્રધાર ગણવામાં આવ્યો હતો.

તે સર્વવિદિત છે કે, આ ખાલીસ્તાનીઓએ નિજ્જરના મૃત્યુ પછી મેલબોર્ન, સાન-ફ્રાન્સિસ્કો અને ટોરેન્ટો સહિત દુનિયાના કેટલાયે દેશોમાં ખાલીસ્તાની સમર્થકો દ્વારા દેખાવો યોજવામાં આવી રહ્યા છે.

નિરીક્ષકો કહે છે કે જ્યારે જ્યારે શિખો ઉપર વિદેશોમાં હુમલાઓ થયા છે ત્યારે ત્યારે તેઓએ ભારતમાં જ આશ્રય લીધો છે. ભાતના વિભાજન સમયે ખાલીસ્તાનમાંથી હજારો શિખોએ ભારતમાં આશ્રય લીધો હતો. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ હિન્દુઓ તેમજ શિખો ઉપર હુમલા કર્યા હતા. ત્યારે પણ સેંકડો શિખોએ અફઘાનિસ્તાન છોડી ભારત આવી ગયા હતા. તે બધું ખાલીસ્તાનીઓ ભુલી ગયા. ખાલીસ્તાનીઓ ભારતમાં જ શા માટે ખાલીસ્તાન માગે છે ? પાકિસ્તાન સ્થિત પંજાબમાં શા માટે નથી માગતા ?આ પ્રશ્ન ઘણો ગૂઢ છે.