રાજકુમાર રાવ અને મૌની રૉયની ‘મેડ ઇન ચાઇના’ને લઈને ઘણી આશાઓ રાખવામાં આવી હતી, પરંતુ એના પર પાણી ફરી વળ્યું છે. રાજકુમાર રાવની ‘જજમેન્ટલ હૈ ક્યા’ પણ નિષ્ફળ રહી હતી અને આ ફિલ્મ પણ એ જ કક્ષાની છે. રાજકુમારની ફિલ્મોને લઈને ઘણી આશાઓ રાખવામાં આવે છે, પરંતુ આ એમાં ખરી નથી ઊતરતી.
ગુજરાતી ફિલ્મ ‘રૉન્ગ સાઇડ રાજુ’ના ડિરેક્ટર મિખિલ મુસાળેએ દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી ઑન્ટ્રપ્રનર અને સેક્સની સમસ્યાને લઈને બનાવવામાં આવી છે. સેક્સના વિષય પર ‘વિકી ડોનર’, ‘શુભ મંગલ સાવધાન’ અને ‘ખાનદાની શફાખાના’ બની ગઈ છે. સેલ્સને લઈને ‘બૅન્ડ બાજા બારાત’, ‘રૉકેટ સિંહ: ધ સેલ્સમૅન ઑફ ધ યર’, ‘ગુરુ’ અને ‘બદમાશ કંપની’ જેવી ફિલ્મો બની ચૂકી છે. જોકે ‘મેડ ઇન ચાઇના’માં આ બન્ને ફિલ્મોની ફ્લેવરનો સમાવેશ કરી એક યુનિક સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવામાં આવી હતી.
ચાઇનાની પ્રોડક્ટ
ફિલ્મની સ્ટોરી ગુજરાતી બિઝનેસમૅન રઘુવીર મહેતાની આસપાસ ફરે છે, જેનું પાત્ર રાજકુમાર રાવે ભજવ્યું છે. તેની પત્ની રુક્મિણીના પાત્રમાં મૌની રૉય છે. રુક્મિણી એક ભણેલી-ગણેલી છોકરી હોય છે, પરંતુ તે તેના પતિને ઑન્ટ્રપ્રનર બનવા માટે સપોર્ટ કરતી હોય છે. રઘુવીર ૧૩ પ્રકારના સ્ટાર્ટઅપમાં નિષ્ફળ રહ્યો હોય છે. તેના મોટા પપ્પા એટલે કે મનોજ જોષી દ્વારા તેને બિઝનેસમાં થોડોઘણો સપોર્ટ કરવામાં આવે છે.