વિન્ડિઝ સામે સતત 14મી સિરીઝ જીતવા પર ટીમ ઈન્ડિયાની રહેશે નજર, રોહિત-વિરાટના રમવા પર સસ્પેન્સ

0
7

બાર્બાડોસમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો

અત્યાર સુધી રમાયેલી 141 મેચોમાં ટીમ ઈન્ડિયા 71 જીત સાથે આગળ છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વનડે મેચ આજે રમાશે. બંને વચ્ચે 3 મેચની વનડે સીરીઝની આ ત્રીજી અને અંતિમ મેચ હશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યે શરુ થશે. અત્યાર સુધી ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો 1-1થી જીત સાથે બરાબરી પર છે. આજની આ નિર્ણાયક મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે બાર્બાડોસમાં રમાઈ હતી, જેમાં ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જો ભારત આજની મેચ જીતે છે તો તે વેસ્ટ ઇન્ડીઝ સામે સતત 14મી સિરીઝ પોતાના નામે કરશે.

રોહિત અને વિરાટની વાપસીની સંભાવના

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમ બીજી વનડે મેચ હારી ગઈ હતી. હવે ત્રીજી મેચ ભારત માટે કરો યા મરોની રહેશે. બીજી વનડે મેચમાં ભારતીય ટીમ રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર મેદાન પર ઉતરી હતી. ભારતીય ટીમના બેટ્સમેનો ન ચાલવાના કારણે તે મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આજની ફાઇનલ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસીની સંભાવના છે.

સેમસન અને અક્ષર ફ્લોપ સાબિત થયા

બીજી વનડેમાં સંજુ સેમસન અને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. સેમસને ત્રીજા નંબર બેટિંગ કરી હતી. જ્યારે અક્ષર પટેલ ચોથા નંબરે ઉતર્યો હતો. બંને ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. સેમસને 9 રન બનાવ્યા હતા. જયારે અક્ષર માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે ત્રીજી વનડેમાં બંને ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવું મુશ્કેલ છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો અત્યાર સુધીમાં 141 વનડે રમી ચૂકી છે. આજે બંને વચ્ચે 142મી વનડે રમાશે. અત્યાર સુધી રમાયેલી 141 મેચોમાં ટીમ ઈન્ડિયા 71 જીત સાથે આગળ છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝે 64 મેચ જીતી છે. બાકીની 2 મેચ ટાઈ અને 4 અનિર્ણિત છે.

બંને ટીમોની સ્કોડ

વેસ્ટ ઇન્ડીઝ

શાઈ હોપ(wkt/c), કાયલ મેયર્સ, બ્રેન્ડોન કિંગ, શિમરોન હેટમાયર, એલીક અથાનાજે, રોવમેન પોવેલ, કેસી કાર્ટી, રોમારીયો શેફર્ડ, ગુડાકેશ મોટી, અલઝારી જોસેફ, ઓશેન થોમસ, જેડેન સીલ્સ, કેવિન સિંકલેર, ડોમિનિક ડ્રેકસ, યાનિક કેરિહ

ભારત

રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (wkt), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ , ઈશાન કિશન, રૂતુરાજ ગાયકવાડ