હિથ સ્ટ્રીક સાઉથ આફ્રિકામાં કેન્સરની સારવાર લઈ રહ્યો છે

0
1

ઝિમ્બાબ્વેનો ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર હિથ સ્ટ્રીક કેન્સરની સામે ઝઝૂમી રહ્યો છે અને સાઉથ આફ્રિકાના જાણીતા એન્કોલોજીસ્ટ તેની સારવાર કરી રહ્યા છે. ૪૯ વર્ષનો હિથ સ્ટ્રીક ઝિમ્બાબ્વે તરફથી ૧૯૯૩ થી ૨૦૦૫ સુધીમાં ૬૫ ટેસ્ટ અને ૧૮૯ વન ડે રમ્યો હતો. તેણે કુલ મળીને ૪,૯૩૩ રન અને ૪૫૫ વિકેટ ઝડપી હતી.

અગાઉ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ મંત્રી અને એક પત્રકારે ટ્વિટ કરી હતી કે, હિથ સ્ટ્રીકની હાલત અત્યંત નાજુક છે અને તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. હવે સ્ટ્રીકના પરિવારજનોએ એક યાદીમાં જણાવ્યું છે કે, તે કેન્સરની સામે લડી રહ્યો છે અને સાઉથ આફ્રિકામાં તેની સારવાર ચાલી રહી છે. કેન્સર સામેની લડાઈમાં તેનો જુસ્સો બુલંદ છે. અમે તમામનો આભાર માની છીએ, જોકે આ પળે અમારી અંગતતા જળવાય તેનું ધ્યાન રાખવાની વિનંતી પણ કરીએ છીએ.

સ્ટ્રીકને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ સાથે ટકરાવ થયો હતો અને તેણે ૩૧ વર્ષે નિવૃત્તિ લઈ લીધી હતી. તેણે આઇપીએલમાં કોલકાતા, ગુજરાત લાયન્સ ટીમના કોચિંગ સ્ટાફમાં કામ કર્યું હતુ. ૨૦૨૧માં એન્ટી કરપ્શનના નિયમોના ભંગ બદલ તેના પર આઠ વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો. તેના પર ટીમની ગુપ્ત માહિતી જાહેર કરવાનો અને કથિત બુકીઓના સંપર્કોને ઉત્તેજન આપવાનો આરોપ મૂકાયો હતો.