દુકાનો ખુલ્યા બાદ હવે મલ્ટીપ્લેક્ષ અને ટીચિંગ ક્લાસિસના સંચાલકોએ પણ છૂટછાટ આપવા માગ કરી
વડોદરા: કોરોનાની ઘાતક બીજી લહેરને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. 23 દિવસના લોકડાઉન બાદ સરકાર દ્વારા આજથી નિર્ધારિત બપોરે ત્રણ વાગ્યા સુધી બજારો ખોલવાની છૂટ આપવામાં આવતા બજારો ધમધમી ઉઠ્યા હતા. સવારે બજારો ખુલતાની સાથે શહેરના માર્ગો ઉપર ચહલપહલ શરૂ થઇ ગઇ હતી. જોકે, વેપારી એસોસિએશન દ્વારા છૂટછાટનો સમય વધારવા માગણી કરવામાં આવી છે.કોરોનાની મહામારીની બીજી લહેરમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. હજુ પણ દિન-પ્રતિદિન 800 ઉપરાંત કોરોનાના કેસો આવી રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા આંશિક લોકડાઉનનો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે. 20 મેના રોજ આંશિક લોકડાઉનની સમય મર્યાદા પૂર્ણ થતાં સરકાર દ્વારા આ આંશિક લોકડાઉનને તારીખ 26 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, વેપારીઓની માગને ધ્યાનમાં લઈને સરકારે આંશિક લોકડાઉનમાં કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરવાની શરતો સાથે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાન ખોલવા માટે મંજૂરી આપી છે. પરિણામે આજે સવારથી જ વેપારીઓ પોતાના વેપાર ધંધા, રોજગારના સ્થળો ઉપર પહોંચી ગયા હતા અને વેપાર, ધંધો શરૂ કરી દીધો હતો. 23 દિવસના આશિક લોકડાઉન બાદ આજે સવારે 9 વાગ્યે બજારો ખુલતાની સાથે જ શહેરના રાજમાર્ગો વાહનોથી ધમધમી ઉઠ્યા હતા. તો બજારોમાં પણ દુકાનો ખુલતાની સાથે જ ગ્રાહકો જોવા મળ્યા હતા. સરકાર દ્વારા બપોરે 3 વાગ્યા સુધી બજારો ખોલવા ખોલવાની મંજૂરી આપતા કેટલાક વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો, તો કેટલાક વેપારીઓએ નારાજગી સાથે જણાવ્યું હતું કે, ધંધાનો ખરો સમય સાંજનો હોય છે, ત્યારે સરકારે વધુ છૂટછાટ આપવી જોઈએ.