સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન બાદ હવે કેજરીવાલ કોને બનાવશે મંત્રી, રેસમાં આ 3 નામ આગળ

0
9

– આતિશી કેબિનેટમાં સામેલ થવાની રેસમાં સૌથી આગળ

દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં કથીત કૌભાંડ મામલે CBI દ્વારા ધરપકડ કરાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સ્થાનિક કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. સિસોદિયાએ જામીન માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે સિસોદિયાને કહ્યું છે કે, તેઓ જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરે, જેને પગલે સિસોદિયા ત્રીજા દિવસે પણ CBI ની કસ્ટડીમાં જ રહેશે. દરમિયાન ભારે વિવાદ વચ્ચે સિસોદિયા અને જેલમાં કેદ સત્યેંદ્ર જૈને મંત્રી પદેથી રાજીનામા આપી દીધા હતા. જેનો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. 

ત્યારે હવે કેજરીવાલ સરકારમાંથી બે મંત્રીઓના રાજીનામા બાદ 3 ધારાસભ્ય આતિશી, સૌરભ ભારદ્વાજ અને દિલીપ પાંડેયને કેબિનેટમાં તક મળી શકે છે. આ  ત્રણેય નેતા આ રેસમાં આગળ છે અને શીર્ષ નેતૃત્વની નજીક છે. તેઓ દરેક મંચ પર સરકાર અને પાર્ટીની વાત મજબૂતીથી મૂકે છે. 

અત્યાર સુધી એક પણ મહિલા મંત્રી નથી. આતિશી કેબિનેટમાં સામેલ થવાની રેસમાં સૌથી આગળ છે. તેઓ કાલકા જીના ધારાસભ્ય છે. તેમણે મનીષ સિસોદિયા અને તેમના વિભાગો સાથે નજીકથી કામ કર્યું છે. એજ્યુકેશન મોડલની વાત કરવામાં આવે તો પડદા પાછળ આતિષીની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મનીષ સિસોદિયાના વિભાગો, ખાસ કરીને શિક્ષણને સારી રીતે આગળ લઈ જઈ શકાય છે. એટલુ જ નહીં તેઓ દક્ષિણ દિલ્હીથી ધારાસભ્ય છે જ્યાંથી એક પણ મંત્રી નથી. આ સાથે જ મંત્રી મંડળમાં એક પણ મહિલા નથી જેની કમી પણ તેઓ પૂરી કરી શકે છે.

સૌરભ ભારદ્વાજ અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે

સૌરભ જલબોર્ડ ઉપાધ્યક્ષ પણ છે, આતિશી બાદ સૌથી વધુ ચર્ચામાં સૌરભ ભારદ્વાજ છે. હાલમાં જલ બોર્ડના ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા ભારદ્વાજ કેજરીવાલની પ્રથમ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પાર્ટી માટે અડગ રહે છે. દિલ્હીમાં 24 કલાક પાણી અને યમુનાની સફાઈના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સૌરભ ભારદ્વાજ પ્રથમ પસંદગી બની શકે છે. તેમને સંસ્થા અને સત્તા બંને સાથે કામ કરવાનો અનુભવ છે.

દિલીપ પાંડે વર્તમાનમાં ચીફ વ્હીપ છે

આ સાથે જ ત્રીજા નંબર પર દિલીપ પાંડેના નામની ચર્ચા છે. તેઓ ઉત્તર દિલ્હીથી આવે છે જ્યાંથી સરકારમાં એક પણ મંત્રી નથી. દિલીપ પાંડે હાલમાં ચીફ વ્હીપ છે. તેઓ આંદોલનના સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. જ્યારે તેઓ રાજ્ય કન્વીનર હતા ત્યારે પાર્ટીએ દિલ્હીમાં પ્રચંડ બહુમતી મેળવી હતી. કોવિડ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા કામની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી.