નાટો માટે આજનો દિવસ ઐતહાસિક છે. કારણકે નાટો દેશોના સંગઠનમાં જોડાવા માટે સ્વીડનનો રસ્તો સાફ થઈ ગયો છે. નાટો દેશના સભ્ય તુર્કીએ સ્વીડનને નાટો સંગઠનમાં જોડાવા માટે મંજૂરી આપી દીધી છે.
આજથી નાટો દેશના સંમલેનની શરૂઆત થશે અને તેમાં સ્વીડનના સભ્યપદ પર મહોર વાગી જશે. તુર્કી પ્રમુખ એર્દોગન એક વર્ષથી સ્વીડનનો નાટોમાં જોડાવા સામે વિરોધ કરી રહ્યા હતા પણ નાટોના મહાસચિવ સ્ટોલટેનબર્ગે સોમવારે આપેલી જાણકારી અનુસાર એર્દોગને પોતાની સંસદમાં સ્વીડનના સભ્યપદ માટે સંમતિ આપી છે. તેમણે કહ્યુ હતુ કે, મને ખુશી થઈ રહી છે કે, સ્વીડનને સભ્ય બનાવવા માટેની જરુરી કાર્યવાહી આગળ ધપાવવા માટે એર્દોગન માની ગયા છે. આજનો દિવસ ઐતહાસિક છે.
નાટોના નિયમ પ્રમાણે કોઈ નવા દેશને જોડવા માટે અન્ય તમામ સભ્ય દેશોની મંજૂર જરુરી હોય છે. તુર્કીએ સ્વીડન પર કુર્દીશ કાર્યકરોને શરણ આપવાનો આરોપ મુકયો હતો. આ કાર્યકરોને તુર્કી આતંકી માને છે અને તેના કારણે તુર્કી સ્વીડન પર અકળાયેલુ હતુ. ઉપરાંત સ્વીડનમાં થયેલા ઈસ્લામ વિરોધી દેખાવનો કારણે પણ તુર્કી ખફા હતુ.
જોકે તુર્કી માની ગયુ છે અને સ્વીડન આ સંગઠનનો 32મો સભ્ય દેશ બનશે. ટુંક સમયમાં યુક્રેન પણ નાટોમાં જોડાય તેવી શક્યતાઓ છે.