૨૦૦૧ પછી પહેલી વખત પ્રતિષ્ઠિત ઍશિઝ સિરીઝ ઇંગ્લૅન્ડમાં જીતવા થનગનતું ઑસ્ટ્રેલિયા આજથી પાંચમી અને છેલ્લી ટેસ્ટની શરૂઆત કરશે. વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને પ્રવાસી ટીમે ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ૧૮૫ રનથી પછાડીને સિરીઝમાં ૨-૧ની લીડ લીધી હતી. યજમાન ટીમે સિરીઝ લેવલ કરવા ૧૩૪.૨૦ની અફલાતૂન ઍવરેજથી ૬૭૧ રન બનાવનાર સ્ટીવન સ્મિથને બન્ને ઇનિંગ્સમાં વહેલો આઉટ કરવો પડશે. ઑસ્ટ્રલિયાની ૧૨-મેમ્બરોની ટીમમાં મિચલ માર્શને અને ઇંગ્લૅન્ડની પ્લેઇંગ ઇલેવનમાં સૅમ કરૅનને સામેલ કરવામાં આવ્યો છે.
એક ટેસ્ટ-સિરીઝમાં હાઇએસ્ટ રન બનાવવાનો સર ડૉન બ્રૅડમૅનનો વર્લ્ડ રેકૉર્ડ તોડવા સ્ટીવન સ્મિથને ૩૦૪ રનની જરૂર છે. બ્રૅડમૅને ૧૯૩૦ની ‘બૉડી-લાઇન’ સિરીઝમાં ૯૭૪ રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડ અને પૅટ કમિન્સે મળીને ૪૨ વિકેટ લીધી છે. ઑસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લૅન્ગરે કહ્યું હતું કે ‘સ્મિથની શાનદાર બૅટિંગ સાથે અમારા બોલરોએ ગજબની બોલિંગ કરી હતી. અમારા બીજા બૅટ્સમેનોએ પણ સ્મિથની જેમ બૅટિંગ કરવી જોઈએ. જોકે અમારી ટીમ અનુભવમાં પાછળ છે.’
ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે આ સિરીઝમાં વધારે રન નથી બનાવ્યા છતાં કોચ ટ્રેવર બેલિસને આશા છે કે તે ફોર્મમાં પાછો આવશે. ૪ ટેસ્ટમાં બે હાર છતાં યજમાન ટીમે પાંચમી ટેસ્ટમાં ૧૩ મેમ્બરની ટીમમાં કોઈ ચેન્જિસ નથી કર્યા. સિરીઝમાં ૩૫૪ રન બનાવનાર બેન સ્ટોક્સે ચોથી ટેસ્ટની સેકન્ડ ઇનિંગ્સમાં જમણા ખભામાં ઈજાને કારણે બોલિંગ નહોતી કરી. જો તે બોલિંગ કરવા સક્ષમ ન હશે તો તેને સ્પેશ્યલિસ્ટ બૅટ્સમૅન તરીકે રમાડવામાં આવશે.