2014ની તુલનામાં 2020ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા 3 ગણી વધુ
રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 7 વર્ષના સમયગાળામાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2014માં જ્યાં તેમની સંખ્યા 1.5 લાખ જેટલી હતી. બીજી તરફ 2020 સુધી તેમાં બમણો વધારો થયો છે. આ સંખ્યા હવે 2.15 લાખ સુધી પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એવી ધારણા બની ગઈ હતી કે સેના અને પોલીસ જેવી સેવા માત્ર પુરુષો માટે જ હોય છે. હવે એવું નથી રહ્યું. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના આંકડા મુજબ છેલ્લા સાત વર્ષમાં મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે નોંધનીય છે કે, ગુજરાતમાં આ જ સમયગાળામાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા ત્રણ ગણાથી વધારે થઈ છે. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના રિપોર્ટ મુજબ, 2014માં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા 2691 હતી જે 2020માં 9847 સુધી પહોંચી ગઈ છે. 2014માં રાજ્યમાં મહિલા પોલીસકર્મીઓનું પ્રતિનિધિત્વ માત્ર 3.64 ટકા હતું અને સમગ્ર દેશમાં સરેરાશ 6.11% પ્રતિનિધિત્વ હતું. બીજી તરફ, 2020ના રિપોર્ટ રાજ્યમાં પ્રતિનિધિત્વ 11.71 ટકા થઈ ગયું છે, જ્યારે દેશની સરેરાશ 10.30% છે.